સાઉદીથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી, પાકિસ્તાનમાં લેન્ડિંગ
પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા આવે અને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે એવું ઘણી વાર બનતું હોય છે, પણ મેડિકલ સમસ્યાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ઘટના હાલમાં બની હતી. સાઉદી અરેબિયાથી ભારત આવતા સમયે ઈન્ડિગો એરલાઈન્સના એક વિમાનને પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ફ્લાઇટ દરમિયાન મહિલા મુસાફરની ખરાબ તબિયતને કારણે મેડિકલ ઇમરજન્સી લેન્ડિંગ કંઇ કામ નહીં આવ્યું અને કરાચી એરપોર્ટ પર પેસેન્જરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી, તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને મહિલા પેસેન્જરના મૃતદેહ સાથેની ફ્લાઈટ ફરીથી ટેકઓફ થઈ અને મોડી રાત્રે કરાચીથી ભારત પરત આવી હતી. એરલાઈન્સે પોતે મોડી સાંજે સત્તાવાર નિવેદન જારી કરીને આ ઘટના અંગે માહિતી આપી હતી.
ઇન્ડિગો એરલાઇન્સે ટ્વિટર પર જણાવ્યું હતું એક મુસાફરની નાદુરસ્ત તબિયતને કારણે પાઇલટે ફ્લાઇટને કરાચી એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી, જ્યાં પ્લેન લેન્ડ થતાંની સાથે જ પેસેન્જરને ડૉક્ટર દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. કમનસીબે મુસાફરને બચાવી શકાયો ન હતો અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી, એરલાઇન્સે વધુમાં જણાવ્યું હતું કે, ફ્લાઇટની તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, વિમાને કરાચીથી ફરીથી ઉડાન ભરી અને રાત્રે 9.08 વાગ્યે ફ્લાઇટ ભારતના હૈદરાબાદ એરપોર્ટ પર ઉતરી હતી..
પાકિસ્તાની ન્યૂઝ અનુસાર, ભારતીય વિમાને ગુરુવારે સવારે 4.15 વાગ્યે કરાચી એરપોર્ટનો સંપર્ક કર્યો અને મહિલા મુસાફરની ખરાબ તબિયત વિશે જાણકારી આપી. મેડિકલ ઈમરજન્સીના કારણે પ્લેનને કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એરપોર્ટ પર મેડિકલ ટીમે બીમાર મહિલા પેસેન્જરને સારવાર આપવાની કોશિશ કરી હતી. જો કે, ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
મહિલા પેસેન્જરનું નામ હજીરા બીબી હોવાનું સામે આવ્યું છે. સિવિલ એવિએશન ઓથોરિટીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. હજીરા બીબીના મૃતદેહને સાથે લઈ જવા સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, આ વિમાને ગુરુવારે સાંજે 6.15 કલાકે ફરીથી હૈદરાબાદ, ભારતના માટે ઉડાન ભરી.
આ પહેલા પણ જૂન મહિનામાં ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોનું એક વિમાન ભટકીને પાકિસ્તાન પહોંચી ગયું હતું. અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ પછી ખરાબ હવામાનને કારણે રસ્તો ભૂલીને પાકિસ્તાનના લાહોર પહોંચી ગઇ હતી. જોકે, બાદમાં પાયલટને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને પ્લેન ભારતીય સીમામાં પરત ફર્યું હતું અને અમદાવાદમાં સુરક્ષિત લેન્ડ થયું હતું.