અમેરિકામાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને નિશાન બનાવતા ભારતે આપી આકરી પ્રતિક્રિયા
સાન ફ્રાન્સિસ્કો: સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટે શનિવારે કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં સ્વામિનારાયણ મંદિર SMVS સંસ્થાની દિવાલો પર ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી નારા લખ્યા હતા. ભારતીય દૂતાવાસે આ મામલાની ત્વરિત તપાસ અને આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.
ભારતે આ હુમલાની નિંદા કરી છે અને અમેરિકન સત્તાવાળાઓ પાસેથી તાત્કાલિક ધોરણે તપાસ અને તોડફોડ કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમજ જણાવ્યું હતું કે આ ઘટનાએ “ભારતીય સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી છે”.
ખાલિસ્તાની સમર્થકોએ નેવાર્કના સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો હતો અને દિવાલો પર બ્લેક સ્પ્રે વડે ભારત અને પીએમ મોદી વિરુદ્ધ નારા લખ્યા હતા. મંદિરની આ તસવીરો હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી હતી.
હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળે છે કે મંદિરની દિવાલ પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. આ સિવાય ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનું નામ પણ કાળી શાહીથી લખવામાં આવ્યું છે.
ફાઉન્ડેશને લખ્યું છે કે, ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાવાલેનું નામ મંદિર જનારાઓને આઘાત પહોંચાડવા અને હિંસાનો ડર ઉભો કરવા માટે લખવામાં આવ્યું છે. હિંદુ અમેરિકા ફાઉન્ડેશને હેટ ક્રાઈમ હેઠળ મામલાની તપાસ કરવાની માંગ કરી છે. મંદિર સાથે જોડાયેલા લોકોએ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. જોકે, આ પહેલો કિસ્સો નથી કે જ્યારે અમેરિકામાં મંદિરને આ રીતે નિશાન બનાવવામાં આવ્યું હોય. અમેરિકા પહેલા કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં પણ આવી ઘટનાઓ જોવા મળી છે.
છેલ્લા કેટલાક મહિનામાં વિદેશમાં અનેક હિન્દુ મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓ સામે આવી છે. થોડા સમય પહેલા કેનેડાના સરેમાં ખાલિસ્તાની સમર્થકોએ મંદિરના ગેટ પર પોસ્ટર લગાવ્યા હતા. જેમાં આતંકી હરદીપ સિંહ નિજ્જરના મોતનો બદલો લેવાની વાત થઈ હતી.