Qatar ની જેલમાં બંધ ભારતીય નાવિકોની ઘર વાપસી, વિદેશ મંત્રાલયે નિર્ણયને આવકાર્યો
નવી દિલ્હી: Qatar released 8 Indian navy veterans: ઓક્ટોબર 2023માં જ્યારે કતાર કોર્ટે તમામ ભૂતપૂર્વ નેવી અધિકારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી ત્યારે ભારતમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષે તેને સરકારની રાજદ્વારી નિષ્ફળતા ગણાવી હતી. ત્યારે, સરકારે સતત કહ્યા કર્યું કે તે રાજદ્વારી વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ શોધી કાઢશે. આ પછી બંને દેશો વચ્ચે પડદા પાછળ રાજદ્વારી વાતચીત ચાલુ રહી.
હાલ ખબર બહાર આવી રહી છે કે કતરની જેલમાં બંધ પૂર્વ ભારતીય નૌસૈનિકોને આખરે 18 મહિના બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આઠમાંથી સાત લોકો ભારત પરત આવી ચૂક્યા છે. જાન્યુઆરીમાં, અધિકારીઓની મૃત્યુદંડની સજાને જેલની સજામાં બદલવામાં આવી હતી.
આ આઠ પૂર્વ નેવી અધિકારીઓના નામ છે કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને રાજેશ.
આ તમામ ભૂતપૂર્વ અધિકારીઓએ ભારતીય નૌકાદળમાં 20 વર્ષ સુધી સેવા આપી હતી. નૌકાદળમાં તેમનો કાર્યકાળ દોષરહિત રહ્યો છે અને તેઓ ઇન્ડિયન નેવીમાં ઇન્સ્ટ્રક્ટર્સ અને ટ્રેનર્સ જેવા મહત્વના હોદ્દા પર રહ્યા છે.
એક નિવેદન જાહેર કરીને વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત સરકાર આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે જેઓ દહરા ગ્લોબલ કંપની માટે કામ કરી રહ્યા હતા અને જેમની કતારમાં અટકાયત કરવામાં આવી હતી. આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે કતારના અમીર દ્વારા આ નાગરિકોની મુક્તિ અને તેમના ઘરે પરત ફરવાના નિર્ણયને આવકારીએ છીએ.
ગયા વર્ષે 25 ઓક્ટોબરના રોજ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીની બહેન મીતુ ભાર્ગવે X પર પોસ્ટ કર્યું હતું કે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ કતારની રાજધાની દોહામાં 57 દિવસથી ગેરકાયદેસર અટકાયતમાં છે. આ અધિકારીઓ પર કથિત રીતે ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો.
નવેમ્બર 2023માં મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી અને કતારની ઉચ્ચ અદાલતે અપીલ સ્વીકારી હતી. અટકાયત કરાયેલા ભારતીય નાગરિકોની કાનૂની ટીમ દ્વારા આ અપીલ દાખલ કરવામાં આવી હતી.
ભારતે કહ્યું કે કતારની અદાલત દ્વારા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામેની અપીલ પર સુનાવણી ચાલી રહી છે અને તે સકારાત્મક પરિણામની આશા રાખે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આ મુદ્દે કતારના અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. વાટાઘાટો ચાલુ છે અને સરકાર ભારતીય નાગરિકોને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.
કતારના સત્તાવાળાઓ કે નવી દિલ્હીએ ભારતીય નાગરિકો સામેના આરોપો જાહેર કર્યા નથી. આ તમામ નિવૃત્ત નેવી અધિકારીઓ દોહા સ્થિત અલ-દહરા કંપનીમાં કામ કરતા હતા.
આ કંપની ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડતી હતી. તેણે કતારની નૌકાદળને તાલીમ અને સાધનસામગ્રી પણ પૂરી પાડી હતી. આ કંપની ઓમાનની એરફોર્સમાંથી નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ આઝમી દ્વારા ચલાવવામાં આવતી હતી.