ટ્રમ્પની કડકાઇ! રિટર્ન ટિકિટના અભાવે ભારતીય માતા-પિતાને અમેરિકામાં નહીં મળી એન્ટ્રી….
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરી લીધા છે. સત્તામાં આવતાની સાથે જ તેમણે અમેરિકામાં પ્રવેશતા લોકોની મુસીબતોને વધારે દીધી છે અને અમેરિકામાં વસાહતીઓની સંખ્યાને મર્યાદિત કરવા માટે ઘણા કડક આદેશો જાહેર કર્યા છે. તેમણે ગેરકાયદે ઇમીગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જન્મના આધારે અમેરિકાની નાગરિકતાના અધિકારને પણ સમાપ્ત કરવાનો આદેશ સારી કર્યો છે, જેને કારણે અમેરિકામાં રહેતા ભારતીય અને અમેરિકા જવા ઇચ્છતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. તેવામાં ન્યુ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર તાજેતરમાં બનેલી ઘટનાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે આપણે આ વિશે વિગતવાર જાણીએ.
અમેરિકાના ન્યુ જર્સીના નેવાર્ક એરપોર્ટ પરથી એક ભારતીય માતા પિતાને પ્રવેશ નકારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અમેરિકામાં રહેતા એક વ્યક્તિના ભારતીય માતા પિતાને રિટર્ન ટિકિટના અભાવે એ અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેમણે એરપોર્ટ પરથી જ ભારત પરત ફરવું પડ્યું હતું. આ દંપતીએ અમેરિકામાં તેમના પુત્ર સાથે પાંચ મહિના રહેવાની યોજના બનાવી હતી. તેઓ B1/B2 મુલાકાતી હતા. જોકે, એરપોર્ટ પરના ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે હવે નિયમો બદલાઈ ગયા છે અને તેમને અહીં રહેવા માટે રિટર્ન ટિકિટ બતાવવી ફરજીયાત છે. આ નવા નિયમો વિશે અગાઉ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. એરપોર્ટ અધિકારીઓએ આ કપલના તમામ ખુલાસાઓને નકારી કાઢ્યા હતા અને તેમને એરપોર્ટથી સીધા ભારત પરત મોકલી દીધા હતા.
આ પણ વાંચો : અમેરિકામાં લૂંટના આરોપમાં ભારતીય મૂળના બે લોકો વિરુદ્ધ કેસ દાખલઃ 20 વર્ષની સજા થશે…
અમેરિકાના અધિકારીઓએ આ ભારતીય કપલને ભારત પરત મોકલવા માટે 2025ના નવા નિયમોનો આધાર બનાવ્યા હતા. અમેરિકામાં આવા નિયમોની હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે મૂંઝવણ પ્રવર્તી રહી છે.
આવી ઘટનાઓને કારણે અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે અને એવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે અમેરિકા આવનારા દિવસોમાં આવા અનેક અણધાર્યા અને વધુ સખત પગલા લઈ શકે છે જેને કારણે તેમનું અમેરિકામાં ટકવું મુશ્કેલ થઈ શકે છે.