યુએસમાં પોલીસે ભારતીય મૂળના વ્યક્તિની કરી ગોળી મારી હત્યા

અમેરિકાના સેન એન્ટોનિયોમાં પોલીસ દ્વારા 42 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 21 એપ્રિલના રોજ બની હતી. સચિન સાહૂ તરીકે ઓળખાતા આ વ્યક્તિએ જ્યારે પોલીસ તેને એક ઉગ્ર હુમલાના કેસમાં પકડવા આવી ત્યારે તેણે પોલીસ બે અધિકારીઓને તેના વાહનથી ટક્કર મારી હતી. જવાબમાં પોલીસ અધિકારીએ તેને ગોળી મારી દીધી હતી. આ યુવકને ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ 21 એપ્રિલે સાંજે 6:30 વાગ્યે પોલીસને ગંભીર હુમલાની જાણ થઈ હતી. ત્યાર બાદ અધિકારીઓ સેન એન્ટોનિયોના ચેવિઓટ હાઇટ્સ સ્થિત એક ઘરમાં તપાસ માટે ગયા હતા. પોલીસને જોઇને સચિન સાહૂ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
પોલીસને પાર્કિંગ લોટમાં એક ઘાયલ મહિલા મળી હતી, જેને સાહૂએ ફરાર થતા પહેલા કારથી ટક્કર મારી હતી. પીડિતાને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે સાહૂની ધરપકડનું વોરન્ટ જારી કર્યું હતું. થોડા સમય બાદ સાહૂના પડોશીએ પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે સાહૂ ઘરે આવી ગયો છે.
જ્યારે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે બે અધિકારીઓને તેના વાહનથી ટક્કર મારી હતી. આના જવાબમાં એક અધિકારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં સાહુ ઘાયલ થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સાહૂની પૂર્વ પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે સાહૂને બાયપોલર ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું. તેનામાં સ્કિઝોફ્રેનિયાના લક્ષણો પણ જોવા મળ્યા હતા.