જાણો કોણ છે એ ભારતવંશી જે અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર માટે કરોડો રૂપિયાનું દાન આપશે?
નવી દિલ્હીઃ ભારતીય મૂળના એક ભારતીય અમેરિકન ડોક્ટરે અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર માટે 4 મિલિયન ડોલર (રૂ. 33 કરોડથી વધુ)નું દાન આપવાનું વચન આપ્યું છે. આ દાનેશ્વરી ડોક્ટરનું નામ છે મિહિર મેઘાણી. બે દાયકા પહેલા ડો.મેઘાણીએ હિન્દુ અમેરિકા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમનું કહેવું છે કે હિંદુ માત્ર ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત છે.
ઇમરજન્સી કેર ફિઝિશિયન ડૉ. મિહિર મેઘાણીએ જણાવ્યું કે તેમણે તેમના મિત્રો સાથે મળીને હિન્દુ અમેરિકા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમણે આ મહિનાની શરૂઆતમાં વાર્ષિક સિલિકોન વેલી ઇવેન્ટમાં આગામી આઠ વર્ષમાં હિંદુ હેતુઓને $1.5 મિલિયન આપવાનું વચન આપ્યું હતું. આ સાથે તેઓ હિંદુ કલ્યાણના હેતુ માટે 2 દાયકામાં 40 લાખ ડોલર આપશે.હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે આટલી મોટી રકમ આપવા પાછળનો હેતુ સમજાવતા ડો. મેઘાણીએ જણાવ્યું હતું કે, ‘અમે આ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે તે આપણો ધર્મ છે.
ડૉ. મેઘાણીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘મારી પત્ની તન્વી અને મેં અત્યાર સુધીમાં હિંદુ અમેરિકન ફાઉન્ડેશનમાં $1.5 મિલિયનનું યોગદાન આપ્યું છે. અમે છેલ્લા 15 વર્ષોમાં આ કારણો માટે અન્ય હિન્દુ અને ભારતીય સંગઠનોને $1 મિલિયનથી વધુનું યોગદાન આપ્યું છે.
આગામી 8 વર્ષમાં અમે ભારત તરફી અને હિન્દુ સંગઠનોને 15 લાખ ડોલર આપવાનું વચન આપી રહ્યા છીએ. મારી પાસે સ્ટાર્ટઅપ કંપની નથી, મારી પાસે કોઈ સાઇડ બિઝનેસ નથી, હું પગાર પર ઇમરજન્સી ડૉક્ટર છું. મારી પત્ની ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર અને જ્વેલરી ડિઝાઇનર છે. અમે વર્ષમાં લાખો ડોલર નથી કમાઈ રહ્યા. અમારી પાસે શેર્સની કમાણી નથી.
ડૉ. મેઘાણીએ એમ પણ જણાવ્યું હતું કે મોટાભાગના અમેરિકન લોકો હિંદુ ધર્મને સરળતાથી સમજી શકતા નથી, કારણ કે અહીંના મોટાભાગના લોકો ખ્રિસ્તી છે. તેમની વિચારધારા અબ્રાહમ લિંકનની ફિલોસોફીને માને છે, પણ તેઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે હિંદુ ધર્મ માત્ર એક ધર્મ નથી, તે જીવનનો એક માર્ગ છે. તે જીવન વિશે વિચારવાની એક રીત છે.’