Qatar: કતારની જેલમાં કેદ નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને આટલા વર્ષની સજા થઇ શકે છે
નવી દિલ્હી: કતારની જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ નિવૃત્ત અધિકારીઓને મોટી રાહત મળી છે, તેમની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. ત્યારે હવે તેમને ભારત પરત લાવવાની મંજૂરી મળી શકે છે, જોકે તેને દોહા દ્વારા હજુ સુધી બહાલી આપવામાં આવી નથી. સજા પામેલા વ્યક્તિઓના ટ્રાન્સફર માટે કતાર સાથે દ્વિપક્ષીય કરાર હેઠળ આ રાહત મળી શકે છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની 2015માં ભારતની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલ સંધિને ભારતે બહાલી આપી છે.
નૌકાદળના અધિકારીઓને આપવમાં આવેલી મૃત્યુદંડની સજાને કેદમાં ફેરવ્યા બાદ, ભારત સરકારે શુક્રવારે કહ્યું હતું કે કાયદાકીય ટીમ અને પરિવારના સભ્યો સાથે આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ભારત સરકાર કતાર સાથે રાજદ્વારી રીતે આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખે છે.
ભારત કે કતાર બંનેમાંથી કોઈએ જેલની સજાની અવધી અંગે સ્પષ્ટતાની કરી નથી. અહેવાલો મુજબ, એકને 25 વર્ષની જેલની સજા થઈ હતી, જ્યારે અન્યને 3 થી 15 વર્ષની વચ્ચે જેલની સજામાં કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 1 ડિસેમ્બરે દુબઈમાં COP28 સમિટ દરમિયાન કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મુલાકાત કરી હતી. મીટિંગ પછી વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું – દુબઈમાં કતારના અમીરને મળ્યો, મેં તેમની પાસેથી કતારમાં રહેતા ભારતીય નાગરિકોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.
વડાપ્રધાને કતારમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
3 ડિસેમ્બરના રોજ કતારમાં હાજર ભારતીય રાજદૂત ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓનો સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચીએ આ માહિતી આપી હતી.