યુએસ ચીન ટ્રેડ વોર વચ્ચે ભારતને થશે ફાયદો, એર ઈન્ડિયા 10 બોઇંગ ખરીદવાની તૈયારીમાં

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી સમગ્ર વિશ્વના અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આ દરમિયાન ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરમાં ચીને આક્રમક વલણ અપનાવ્યું હતું. જેમાં ચીને અમેરિકન કંપની બોઈંગ પાસેથી વિમાન ખરીદવાનો ઇનકાર કર્યો હતો. જેની બાદ હવે આ ટ્રેડ વોરનો ફાયદો ભારતને થવા જઇ રહ્યો છે. જેમાં હવે એર ઈન્ડિયા 10 બોઇંગ 737 MAX વિમાન ખરીદવા જઈ રહી છે. આ માટે યોગ્ય વાતચીત પણ શરૂ થઈ ગઈ છે.
ટેરિફને કારણે ડિલિવરી લેશે નહીં
આ અંગે બોઇંગના સીઈઓ કેલી ઓર્ટબર્ગે બુધવારે જણાવ્યું હતું કે ચીની ગ્રાહકોએ સંકેત આપ્યો છે કે તેઓ ટેરિફને કારણે ડિલિવરી લેશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે કંપની હવે આ વિમાનો અન્ય કોઈપણ રસ ધરાવતા ખરીદદારોને પૂરા પાડશે.
10 વિમાન ખરીદવા માટે વાતચીત
ઉલ્લેખનીય છે કે વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ, અમેરિકા અને ચીને એકબીજાના માલ પર 100 ટકાથી વધુ ટેરિફ લાદયો છે. મીડિયા અહેવાલમાં બે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે એર ઇન્ડિયા બોઇંગ સાથે લગભગ 10 વિમાન ખરીદવા માટે વાતચીત કરી રહી છે જેનો ઉપયોગ એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે કરવામાં આવશે. એર ઇન્ડિયા એક્સપ્રેસના લગભગ 100 વિમાનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
એર ઇન્ડિયાને તેના વિસ્તરણમાં મદદ કરશે
સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ આમાં ખૂબ રસ દાખવ્યો છે અને જો વાટાઘાટો સફળ થશે તો આ વર્ષના અંત સુધીમાં એર ઇન્ડિયામાં તેનો સમાવેશ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હાલમાં ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે. આ 10 વિમાનોની ખરીદી એર ઇન્ડિયાને તેના વિસ્તરણમાં મદદ કરશે. કારણ કે હાલમાં જૂથ પાસે પૂરતા પ્રમાણમાં વિમાનો નથી.
એર ઇન્ડિયાની વર્તમાન જરૂરિયાતો અનુસાર ફેરફારો કરાશે
આ ઉપરાંત અન્ય સૂત્રએ જણાવ્યું હતું કે ચાઇનીઝ એરલાઇન્સ માટે બનાવવામાં આવેલા વિમાનમાં અલગ અલગ કેબિન ફિટિંગ અને બેઠકો હતી. ત્યારે હવે એર ઇન્ડિયાની વર્તમાન જરૂરિયાતો અનુસાર ફેરફારો કરવા પડશે. આ સાથે તેની અંતિમ કિંમત ત્યારબાદ નક્કી કરવામાં આવશે.