Gaza war: UNGAમાં સીઝફાયર ઠરાવ પસાર, ભારત સહિત 153 દેશોએ તરફેણમાં મતદાન કર્યું
ન્યુયોર્ક: બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ની ઈમરજન્સી બેઠકમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ થાય એ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભારત સહિત 153 દેશોએ ગાઝામાં યુદ્ધવિરામના પક્ષમાં મતદાન કર્યું હતું, જયારે 10 સભ્યોએ વિરોધમાં મત આપ્યો હતો અન 23 સભ્યો ગેરહાજર રહ્યા હતા. યુદ્ધવિરામ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરનારા દેશોમાં યુએસ, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, ગ્વાટેમાલા, ઇઝરાયેલ, લાઇબેરિયા, માઇક્રોનેશિયા, નૌરુ, પાપુઆ ન્યૂ ગિની અને પેરાગ્વેનો સમાવેશ થાય છે.
ઇજિપ્તના રાજદૂત અબ્દેલ ખાલેક મહમૂદે યુએન જનરલ એસેમ્બલીમાં ગાઝામાં યુદ્ધવિરામની અપીલ કરતો ઠરાવ રજૂ કર્યો હતો. ઠરાવમાં, ઇજિપ્તે ગયા અઠવાડિયે સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ માટેની અપીલ પર યુએસએ દાખવેલા વીટોની નિંદા કરી હતી. મહમૂદે કહ્યું કે યુદ્ધવિરામ માટે આ પ્રસ્તાવ ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે વીટોનો દુરુપયોગ માનવતાવાદી ધોરણે યુદ્ધવિરામના ઠરાવના વિરુદ્ધ કરવામાં આવ્યો હતો, તેમ છતાં ઠરાવનું 100 થી વધુ સભ્ય દેશોએ સમર્થન કર્યું.
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે ભારતે યુએન જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. સામાન્ય સભામાં જે સ્થિતિની ચર્ચા થઈ રહી છે તેના અનેક આયામો છે. 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર આતંકવાદી હુમલો થયો હતો અને ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા જે ચિંતાનો વિષય છે. ત્યાર બાદ ગાઝામાં એક ગંભીર માનવીય સંકટ ઉભું થયું છે. મોટાભાગની મહિલાઓ અને બાળકો સહિત નાગરિક જાનહાનિ થઈ છે. તેમણે કહ્યું કે, ભારત હાલમાં આ ક્ષેત્રમાં અનેક પડકારોનો સામનો કરવા માટેના એક સામાન્ય પ્રયાસમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની એકતાનું સ્વાગત કરે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું કે અમેરિકા યુદ્ધવિરામ પ્રસ્તાવ સાથે સહમત નથી. અમે ગાઝામાં ગંભીર માનવતાવાદી કટોકટી અને માનવ નરસંહારમુદ્દે ચિંતિત છીએ. તેમણે 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલાઓની નિંદા કરવા માટે સુધારાની દરખાસ્ત પણ કરી હતી. તેમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ એ વાતને સમર્થન આપે છે કે વિશ્વના તમામ દેશોની જેમ ઇઝરાયેલને પણ તેના લોકોનો બચાવ કરવાનો અધિકાર છે.
યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાદ અર્દાને કહ્યું કે ગાઝામાં યુદ્ધવિરામ હમાસના આતંકવાદી એજન્ડાને આગળ વધારશે. તેણે આ પ્રસ્તાવને ફગાવી દેતા કહ્યું કે યુદ્ધ રોકવાથી હમાસને જ ફાયદો થશે. શા માટે કોઈ હમાસને તેના આતંકનું શાસન ચાલુ રાખવામાં અને તેના દુષ્ટ કાર્યને સાકાર કરવામાં મદદ કરવા માંગશે?
યુએનજીએમાં ચર્ચા દરમિયાન, દક્ષિણ આફ્રિકાના રાજદૂતે કહ્યું કે ઇઝરાયેલ સંધિની વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને અમે આંતરરાષ્ટ્રીય કાયદાના અમલ માટે હાકલ કરીએ છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે, અને દક્ષિણ આફ્રિકામાં રંગભેદ પ્રણાલીના ભૂતકાળના પીડાદાયક અનુભવને કારણે, અમે ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કાર્ય કરવા દબાણ કરીએ છીએ.