ભારતે હાફિઝ સઇદના પ્રત્યાર્પણની માગ કરી, પાક મીડિયાનો દાવો

ઇસ્લામાબાદઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને લઈને પાકિસ્તાની મીડિયાએ મોટો દાવો કર્યો છે. PAK મીડિયાએ દાવો કર્યો છે કે ભારતે પાકિસ્તાન પાસે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે. ત્યાંના મીડિયા અનુસાર, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે આતંકીને સોંપવાની માંગ કરી છે.
પાકિસ્તાની મીડિયા ઈસ્લામાબાદ પોસ્ટ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. દાવા મુજબ, ભારત સરકારે પાકિસ્તાન પાસેથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની ઔપચારિક વિનંતી કરી છે. ઈસ્લામાબાદ પોસ્ટના દાવા મુજબ, રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી એક સત્તાવાર વિનંતી મળી છે, જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે.
હાફિઝ મોહમ્મદ સઈદ મુંબઈમાં 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ પણ તેના સંગઠનને આતંકવાદી જાહેર કર્યું છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. હાલમાં, લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક હાફિઝ મોહમ્મદ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JuD)ના કેટલાક અન્ય નેતાઓ સાથે 2019 થી જેલમાં છે. તેને આતંકવાદી ફંડિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સઈદની આગેવાની હેઠળની JuD એ લશ્કર-એ-તૈયબા (LeT) નું આગળનું સંગઠન છે, જે 2008ના મુંબઈ હુમલો કરાવવા માટે જવાબદાર છે.
જોકે, હાફિઝ સઇદ 2019થી પાકિસ્તાનની જેલમાં હોવા છતાં આજે પણ તે ત્યાંની રાજનીતિ અને સેના પર પ્રભુત્વ ધરાવે છે. પાકિસ્તાનમાં તેના પ્રભાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આતંકવાદી હાફિઝ સઈદની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) પણ પાકિસ્તાનમાં ફેબ્રુઆરી 2024ની સામાન્ય ચૂંટણીમાં લડી રહી છે. તેણે દેશભરમાં દરેક રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારમાં તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હાફિઝે પોતાના પુત્ર તલ્હા સઈદને પણ ઉમેદવાર બનાવ્યા છે.
હાફિઝ સઈદનો પુત્ર લાહોરથી ચૂંટણી લડી રહ્યો છે. આટલું જ નહીં, હાફિઝ સાથે જોડાયેલ સંગઠન પાકિસ્તાનના લોકોને ગેરમાર્ગે દોરવાનો રાજકીય એજન્ડા પણ લઈને આવ્યો છે. તેમની પાર્ટી ચૂંટણીમાં ઈસ્લામિક સ્ટેટનું સપનું બતાવી રહી છે. મુંબઈના 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને પંજાબની આતંકવાદ વિરોધી અદાલતે નવેમ્બર 2020માં ટેરર ફંડિંગના બે કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે સઈદની સંપત્તિ જપ્ત કરવાનો અને 1.1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો પણ આદેશ આપ્યો હતો.