ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ અંગે શુક્રવાર એટલે કે 27 ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીમાં ઠરાવ લાવવામાં આવ્યો હતો અને તેના પર મતદાન કરવામાં આવ્યું હતું. જોકે, ભારત મતદાનથી દૂર રહ્યું હતું. જેને લઈને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે અને સરકારની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પેલેસ્ટાઈન મુદ્દે ભારત સરકારમાં મૂંઝવણ છે. અગાઉની સરકારોમાં આવી મૂંઝવણ ક્યારેય જોવા મળી ન હતી અને ભારતની નીતિ હંમેશા પેલેસ્ટાઈનને સમર્થન આપવાની રહી છે, ઈઝરાયલને નહીં. શરદ પવારે પેલેસ્ટાઈન મુદ્દે ભારતની નીતિમાં બદલાવની ટીકા કરતા કહ્યું કે ત્યાં હજારો લોકો મરી રહ્યા છે. ભારતે ક્યારેય ઈઝરાયલને સમર્થન આપ્યું નથી.
દરમિયાન AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ આશ્ચર્યજનક છે કે મોદી સરકાર યુદ્ધવિરામ અને નાગરિક જીવનની સુરક્ષા માટે યુએનના ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહી હતી. ઇઝરાયલે ગાઝામાં 7028 લોકોની હત્યા કરી છે. તેમાંથી 3000 થી વધુ બાળકો અને 1700 મહિલાઓ છે. ગાઝામાં ઓછામાં ઓછા 45 ટકા ઘરો નાશ પામ્યા છે. 14 લાખથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે.
શાંતિના સમયમાં પણ ગાઝાના લોકો સંપૂર્ણ નાકાબંધી હેઠળ છે અને માનવતાવાદી સહાય પર નિર્ભર છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ માનવતાવાદી મુદ્દો છે. ભારતે લોકોના જીવન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર મતદાન કરવાથી શા માટે દૂર રહી? ગાઝામાં સહાય મોકલ્યા પછી શા માટે તેમને ત્યાગી દીધા?
આ મુદ્દે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુંહતું કે ભારતની સ્થાપના મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સિદ્ધાંત પર થઇ હતી. આજે જ્યારે આપણે જોઇ રહ્યા છીએ કે ઇઝરાયલમાં માનવતાના તમામ ધોરણોનો નાશ કરવામાં આવ્યો છે.
હજારો નિર્દોષ બાળકો અને મહિલાઓ અને પુરૂષોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખોરાક, પાણી બંધ કરી દેવામાં આવ્યો છે. વીજળી પુરવઠો પણ બંધ કરી દેવાયો છે. તબીબી પુરવઠો પણ રહ્યો નથી. એવા સમયે આપણી સરકાર તેની સામે સ્ટેન્ડ લેવાનો ઇનકાર કરે છે અને જોતી રહે છે એ ખોટુ છે.
આ સમયે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે પણ પ્રિયંકા ગાંધી સામે વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત પેલેસ્ટાઇન સાથે ઊભું છે, પણ પ્રિયંકા ગાંધી હમાસનું સમર્થન કરી રહ્યા છે. આ તેમનું વોટબેંક પોલિટિક્સ છે. હમાસ જેવા આતંકવાદી સંગઠનોનો પક્ષ કૉંગ્રેસ જેવા લોકો જ લઇ શકે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને