ભારત-કતારના ખટાશભર્યા સંબંધોનો આવો છે ઈતિહાસ….

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં પહેલીવાર કતારની વિદેશયાત્રા કરી હતી. કતારમાં અંદાજે 8 લાખ ભારતીયો રહે છે અને આ ભારતીયો કતારનો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. કતારના આમિર અલ થાનીએ સ્નેહપૂર્વક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. યાત્રા બાદ બંને દેશો વચ્ચે વેપારી, આર્થિક લાભ તથા સાંસ્કૃતિક આદાનપ્રદાન થયું પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તેમાં એક ટર્નિંગ પોઇન્ટ સમાન બની રહ્યો. કતારે 21 જૂન 2015ના દિવસે આયોજીત થયેલા સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક ખાસ ટપાલ ટિકીટ બહાર પાડીને યોગ દિવસની ઉજવણીને પોતાનું સમર્થન આપ્યું હતું. આ એ દિવસ હતો જ્યારે મોટાભાગના મુસ્લિમ દેશો યોગના વિરોધમાં હતા. કતારની આ વર્તણુંકને પગલે ખાડી દેશો અને ભારત વચ્ચે પણ સંબંધો કેળવાઇ શકે છે તેવી એક છાપ ઉભી થઇ. વર્ષોથી ભારત અને કતાર વચ્ચે LNG લિક્વિફાઇડ નેશનલ ગેસ સહિત અનેક ચીજવસ્તુઓનો વેપાર થાય છે.
જો કે હવે કતાર સાથેના વર્ષોથી જળવાયેલા આ સંબંધોને ગંભીર નુકસાન પહોંચે તેવા સંજોગો ઉભા થયા છે. કતારની કોર્ટે ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી છે. મીડિયા અહેવાલો મુજબ આ અધિકારીઓ પર જાસૂસી કરવાનો આરોપ છે, પરંતુ આધિકારિક રીતે તેમણે આરોપોની પુષ્ટિ કરી નથી. કતારની પોલીસે ગત વર્ષે આ અધિકારીઓની ધરપકડ કરી હતી અને તેમને સતત 1 વર્ષ જેલમાં બંધ રાખ્યા બાદ 2-3 દિવસ પહેલા કોર્ટની કાર્યવાહીમાં તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. એવી વિગતો સામે આવી રહી છે કે આ ઓફિસરો કોઇ સબમરીન પ્રોજેક્ટમાં જોડાયા હતા અને સબમરીનને લગતી માહિતી તેઓ ઇઝરાયલને આપી રહ્યા હતા. આ અગાઉ પણ અનેકવાર ભારત અને કતાર વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ચુકી છે.
ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા, ઇસ્લામિક સ્કોલર કહેવાતા ઝાકિર નાઇક, મશહૂર ચિત્રકાર મકબૂલ ફિદા હુસેન જેવા લોકોની ચોક્કસ પ્રવૃત્તિને કારણે ભૂતકાળમાં ભારત અને કતારના સંબંધો જોખમમાં મુકાઇ ચુક્યા છે. વર્ષ 2022માં કતારમાં યોજાયેલા ફીફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમનીમાં ઝાકિર નાઇકની એન્ટ્રી થતા ભારતે તેની સામે વિરોધ જતાવ્યો હતો. ભારતના વિરોધ બાદ કતારે સ્પષ્ટતા કરી હતી કે ફીફા વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની માટે તેને ઓફિશિયલી ઇન્વાઇટ કર્યો ન હતો.
ઝાકિર નાઇકને ભારતે પહેલેથી જ NIA એ વોન્ટેડ જાહેર કરેલો છે. તેમને ભડકાઉ ભાષણ આપવા, મની લોન્ડરિંગ, આતંકવાદને પ્રોત્સાહન આપવું જેવી પ્રવૃત્તિઓ બદલ EDએ પણ તેની સામે કાર્યવાહી કરેલી છે.
નૂપુર શર્મા પ્રકરણને કારણે પણ ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધો વકર્યા હતા. એક ટીવી ચેનલમાં ડિબેટ દરમિયાન પૈગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા જ અલ્પસંખ્યક સમુદાયના લોકો તેના પર ભડક્યા હતા, આ ટિપ્પણીથી ઉભો થયેલો વિરોધનો વંટોળ એટલે સુધી વકર્યો હતો કે મોટાભાગના મિડલ ઇસ્ટના દેશોએ ભારત પર નુપુર સામે પગલા લેવા દબાણ કર્યું હતું. કતારે આ મામલે ભારતીય રાજદૂતને બોલાવી બેઠક કરી હતી અને કડક કાર્યવાહીની માગ પણ કરી હતી. એ પછી નુપુર શર્મા સાથે જે થયું એ સૌને ખબર છે.
એમએફ હુસૈનનો પેઇન્ટિંગ વિવાદ જગવિખ્યાત છે. વર્ષ 2006માં હિંદુ દેવી દેવતાઓના વિવાદાસ્પદ ચિત્રો દોરવા બદલ તેમનો ભારે વિરોધ થયો હતો. જેને પગલે તેમને ભારત છોડી દેવું પડ્યું હતું. થોડો સમય તેમણે લંડન અને દુબઇમાં વિતાવ્યા બાદ કતારના શાહી પરિવારે તેમને સામેથી નાગરિકતા આપવાની ઓફર કરી હતી. પહેલીવાર કોઇ ભારતીય નાગરિકને કતાર તરફથી નાગરિકતા ઓફર કરવામાં આવી હતી. એમએફ હુસૈને કતારની નાગરિકતા માગી ન હતી કે તેમણે એવી કોઇ ઇચ્છા પણ વ્યક્ત કરી ન હતી. આમ કતારની આ વર્તણુંક બાદ ભારત અને કતાર વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઇ હતી.