નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમગ્ર વિશ્વ માટે યુદ્ધ બની ગયું છે. ઈઝરાયેલનો દાવો છે કે યુદ્ધની આ સ્થિતિમાં 80 દેશો તેમની સાથે ઉભા છે. આ દરમિયાન ભારતના બે શહેરો ચેન્નાઈ અને કોલકાતામાં ઈઝરાયલ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે. તે જ સમયે, 13 ઓક્ટોબરે SIO ઈન્ડિયા નામનું સંગઠન ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.
તમિલનાડુ મુસ્લિમ મુનેત્ર કઝગમના સમર્થકો પેલેસ્ટાઈનના સમર્થનમાં ચેન્નાઈમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. અહીં પેલેસ્ટિનિયન નાગરિકો પર ઈઝરાયેલના હુમલાના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે.
કોલકાતામાં લઘુમતી યુવા મંચના સભ્યો પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ પેલેસ્ટાઈનની આઝાદી માટે બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા છે. સંગઠનનું કહેવું છે કે ભારતે આ મુદ્દે નિષ્પક્ષ વલણ અપનાવવું જોઈએ. તેઓએ ઇઝરાયેલને આંધળુ સમર્થન ન કરવું જોઇએ. તેમણે કહ્યું કે તેઓ રાજ્યપાલને એક મેમોરેન્ડમ આપીને વડાપ્રધાનને મોકલશે.
ઈઝરાયેલે શનિવારથી ગાઝા પર હવાઈ હુમલામાં લગભગ 752 રહેણાંક ઈમારતોનો નાશ કર્યો છે. પેલેસ્ટાઈનના એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી.
હમાસ સંચાલિત રાજ્ય મીડિયા કાર્યાલયના વડા, સલામા મારૌફે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝા પર ઈઝરાયેલના હુમલા રોકવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા હાકલ કરી હતી. ઉલ્લેખનીય છે કે શનિવારે ગાઝા પટ્ટીને અડીને આવેલા દક્ષિણ ઇઝરાયેલના શહેરો પર હમાસના અચાનક હુમલા બાદ ઇઝરાયલી હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. સંઘર્ષના આ સમયગાળા દરમિયાન બંને પક્ષોને ભારે નુકસાન થયું છે. ગુરુવાર સુધીમાં હુમલામાં મૃત્યુઆંક 2,700 થી વધુ થઈ ગયો છે.
ભારતની ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને સાથે મિત્રતા છે. હમાસ એ પેલેસ્ટાઇનની આતંકવાદી સંસ્થા છે, જે મુખ્યત્વે ગાઝા પટ્ટીમાં કાર્યરત છે. ભારત કોઇ પણ પ્રકારના આતંકવાદી હુમલાનો વિરોધ કરે છે. ઇઝરાયલપર હુમલો કરીને હમાસે લોહીયાળ સંઘર્ષની શરૂઆત કરી છે, જેમાં અનેક નિર્દોષોની કત્લેઆમ કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને