આકસ્મિક રીતે પતિની દવા ખાઈ લેતા મહિલાનું મૃત્યુ, તપાસમાં જાણવા મળ્યું કે….

બ્રિટનમાં ભારતીય મૂળની એક વૃદ્ધ મહિલાના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વૃદ્ધ મહિલાએ આકસ્મિક રીતે તેના પતિની દવા પી લીધી હતી. આ ઘટના દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના બર્કશાયરમાં બની હતી, જેમાં સેવા કૌર ચઢ્ઢા (82)નું મૃત્યુ થયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે કૌર ઘણા દિવસોથી તેના બદલે તેના પતિની ડાયાબિટીસની દવા લઈ રહી હતી, જેના કારણે તેની હાલત નાજુક થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
મળતી માહિતી મુજબ સેવા કૌર ચઢ્ઢાએ આકસ્મિક રીતે ડાયાબિટીસની દવા લીધા પછી તેમના બ્લડ સુગરનું સ્તર ખૂબ જ ઓછું થઈ ગયું હતું. તેમના મૃત્યુનું મુખ્ય કારણ શરીરમાં ગ્લુકોઝની ઉણપ અને સમયસર સારવાર ન મળવી હતી.
બર્કશાયરના સેવા કૌર ચઢ્ઢા (82) ગયા વર્ષે મે મહિનામાં તેમના ઘરમાં પડી ગયા હતા. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. સેવા કૌર ચઢ્ઢા તેમના પતિ સાથે રહેતા હતા. પતિ-પત્ની બંનેને ઘણી શારીરિક સમસ્યાઓ હતી અને બંને જણને ઘણી દવાઓ લેવી પડતી હતી. વધતી ઉંમરને કારણે કપલને વસ્તુઓ ભૂલી જવા જેવી સમસ્યા પણ હતી. સેવા કૌર પડી ગયા બાદ ભૂલમાં તેમની દવાને બદલે પતિની ડાયાબિટીસ સહિતની દવા લેવા માંડ્યા હતા. તેમના મૃત્યુના રિપોર્ટમાં તેમના લોહીમાં સોડિયમની ઉણપ અને તેમનું બ્લડ સુગર લેવલ અત્યંત ઓછું હોવાનું અને તેના માટે જરૂરી સારવારના અભાવે તેમનું મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ મહિલાના મોત બાદ યુકેના એક કોરોનર (કોરોનર એ મૃત્યુની તપાસ માટે નીમવામાં આવેલો સરકારી અધિકારી છે.)એ ફાર્મસીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા દવાઓના એક સરખા દેખાતા બૉક્સ સાથે સંકળાયેલા જોખમ વિશે નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને ચેતવણી જારી કરી છે. તેમણે જણાવ્યું છે કે દવાઓના એકસરખા પેકેજિંગ ઘણીવાર વૃદ્ધ દંપતીને મૂંઝવણમાં મૂકે છે, કારણ કે દવાના કન્ટેનર સમાન દેખાય છે અને નાના લેબલો ધરાવે છે અને દવા વગેરેનું નામ નાના અક્ષરોમાં લેબલ પર લખવામાં આવે છે, જેને કારણે વૃદ્ધોને વાંચવામાં ઘણી સમસ્યા થાય છે. તેમણે જણાવ્યું હતું કે જો આ અંગે કોઇ પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં મૃત્યુનું જોખમ વધી શકે છે. તેમણે દવાના કન્ટેનરની ડિઝાઇનમાં સુધારો કરવાની અને લેબલિંગને વધુ સ્પષ્ટ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.