માલદીવમાં સરકાર બદલાતા જ આવ્યું ભારત વિરુદ્ધ નિવેદન
નવી દિલ્હી: સત્તા પરિવર્તન બાદથી માલદીવમાં ભારત વિરોધી નાદ શરૂ થઈ ગયા છે. તાજેતરમાં અહીં ચૂંટણી યોજાઈ હતી. માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ મોટી જીત હાંસલ કરી છે. તેમને ચીન તરફી માનવામાં આવે છે. તેમણે માલદીવમાંથી ભારતીય સેનાને હટાવવાની વાતનો પુનરોચ્ચાર કર્યો છે.
મુઇઝુએ અગાઉ પણ કહ્યું હતું કે તેઓ તેમના કાર્યકાળના પહેલા જ દિવસથી માલદીવની ધરતી પરથી વિદેશી સૈનિકોને હટાવવાનો પ્રયાસ કરશે. માલદીવમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર મોહમ્મદ મુઈઝુએ 53 ટકાથી વધુ વોટ મેળવ્યા હતા.
આ ચૂંટણીમાં તેમણે પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM)ના ઉમેદવાર અને ભારત તરફી ગણાતા પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને હરાવ્યા છે. મુઇઝુ અગાઉ રાજધાની માલે શહેરના મેયર પણ રહી ચૂક્યા છે. તેમને ચીન સાથે સારા સંબંધોના પક્ષમાં માનવામાં આવે છે. તેઓ હંમેશા ભારતીય સેનાની તૈનાતીના પક્ષમાં હતા. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ સોલિહ 2018માં રાષ્ટ્રપતિ બન્યા હતા.
મુઇઝુએ સોલેહ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ભારતને દેશમાં પોતાની મરજી મુજબ કામ કરવાની વિશેષ સ્વતંત્રતા આપી હતી. આ દરમિયાન મુઈઝુએ લોકોને વચન આપ્યું હતું કે જો તે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જશે તો માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવી દેશે. તેઓ દેશના વેપાર સંબંધોને સંતુલિત કરવા જઈ રહ્યા છે. તે સમયે સોલિહે કહ્યું હતું કે માલદીવમાં ભારતીય સેનાની હાજરી બંને સરકારો વચ્ચેના કરાર હેઠળ જ છે. આ ડોકયાર્ડના બાંધકામ માટે હતું. તેના કારણે તેમના દેશની સાર્વભૌમત્વનું કોઈ ઉલ્લંઘન થયું નથી.
માલદીવ ભારતની સાથે ચીન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. માલદીવમાં ભારતની હાજરી તેને હિંદ મહાસાગરના તે ભાગ પર નજર રાખવાની શક્તિ આપશે જ્યાં ચીન પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીને BRI ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં લોન અને ઓઈલ સપ્લાય દ્વારા માલદીવમાં પોતાનું સ્ટેટસ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ વ્યવસાયે એન્જિનિયર છે. તેમણે સાત વર્ષ સુધી માલદીવના હાઉસિંગ મિનિસ્ટર તરીકે સેવા આપી હતી. રાજધાની માલેના મેયર હોવાના કારણે તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. 45 વર્ષીય નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ યુનાઇટેડ કિંગડમમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ એક કંપનીમાં નોકરી કરતા હતા.