ઇન્ટરનેશનલનેશનલ

ભારત અને ઈરાન વચ્ચે ચાબહારમાં ટર્મિનલના લાંબા ગાળાની ઓપરેશન ડીલ પર કરાર, 8 દેશો વચ્ચે વેપાર વધશે

નવી દિલ્હી: ભારત અને ઈરાને સોમવારે ચાબહાર સ્થિત શાહિદ બેહેશ્તી પોર્ટના ટર્મિનલના સંચાલન માટે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે.

ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન દ્વારા બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે ભારત વિદેશમાં સ્થિત પોર્ટનું સંચાલન પોતાના હસ્તક્ષ લેશે. ચાબહાર બંદર ઈરાનના દક્ષિણ સમુદ્ર કિનારાના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. ભારત અને ઈરાન સંયુક્ત રીતે આ બંદરનો વિકાસ કરી રહ્યા છે.

બંને દેશો કરાર થયા તે અંગે બોલતા, સોનોવાલે કહ્યું, ‘સમજૂતી પર હસ્તાક્ષર સાથે, અમે ચાબહારમાં ભારતની લાંબા ગાળાની ભાગીદારીનો પાયો નાખ્યો છે. આ કોન્ટ્રાક્ટ ચાબહાર પોર્ટના વિકાસ અને સદ્ધરતા પર અનેક ગણી અસર કરશે.

સોનોવાલે વધુમાં કહ્યું કે ચાબહાર માત્ર ભારતનું સૌથી નજીકનું ઈરાન બંદર નથી પરંતુ દરિયાઈ પરિવહનની દૃષ્ટિએ પણ એક ઉત્તમ બંદર છે. તેમણે ઈરાનના બંદર મંત્રી સાથે પણ બેઠક યોજી હતી. ભારત પ્રાદેશિક વેપાર, ખાસ કરીને અફઘાનિસ્તાન સાથે કનેક્ટિવિટી વધારવા માટે ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર ભાર આપી રહ્યું છે. આ બંદરને ‘ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર’ (INSTC) પ્રોજેક્ટના મુખ્ય હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) પ્રોજેક્ટ એ ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનના પરિવહન માટે 7,200 કિમી લાંબી મલ્ટિ-સ્ટેજ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે.

ઈરાન સાથે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ પર ભારતના મહત્વને રેખાંકિત કરતા, વિદેશ મંત્રાલય (MEA) એ 2024-25 માટે ચાબહાર પોર્ટ માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. IPGLની પેટાકંપની ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ ચાબહાર ફ્રી ઝોન(IPGCFZ)એ 2019માં અફઘાનિસ્તાનથી ભારતમાં નિકાસના પ્રથમ કન્સાઈનમેન્ટની સુવિધા આપી હતી.

સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટૂંકા ગાળાના કરાર દ્વારા આ પ્રોજેક્ટ માટે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જ્યારે ઓગસ્ટ, 2022 માં સોનોવાલની ચાબહારની મુલાકાત સાથે લાંબા ગાળાના કરાર પરની વાટાઘાટોને વેગ મળ્યો હતો. નિવેદન અનુસાર, કરારથી વેપાર અને રોકાણની તકો વધશે અને ભારતના આર્થિક વિકાસને વેગ મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button