ભારત અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે મુલાકાત, એસ. જયશંકરે કહ્યું મતભેદો વિવાદમાં ના ફેરવાવા જોઈએ…

બેઈજિંગ : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ માટે ચીનના પ્રવાસે છે. આ પૂર્વે તેમણે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ભારત ચીન વચ્ચે સામાન્ય થઈ રહેલા સબંધો અંગે ખુશી વ્યકત કરી છે. તેથી હવે બંને દેશોએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વાતચીત દરમિયાન એસ. જયશંકરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આપણા પરસ્પરના મતભેદો વિવાદોમાં ન ફેરવાય અને સ્પર્ધા સંઘર્ષનું સ્વરૂપ ન લે તે જોવાનું છે.
પ્રતિબંધિત વેપાર પગલાં અને અવરોધો ટાળવા
આ ઉપરાંત વિદેશ મંત્રીએ પ્રતિબંધિત વેપાર પગલાં અને અવરોધો ટાળવા વિશે વાત કરી. જે મહત્વપૂર્ણ ખનિજોના નિકાસ પર ચીન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનો ઉલ્લેખ કરે છે. તેમણે ભાર મૂક્યો કે પરસ્પર સહયોગ માટે આ અવરોધોને દૂર કરવા જરૂરી છે.

વ્યૂહાત્મક વિશ્વાસ બંને દેશો વચ્ચે સ્થિર સંબંધોનો મૂળભૂત પાયો
એસ. જયશંકરે ઓક્ટોબર 2024 માં રશિયાના કાઝાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પછી ભારત-ચીન સંબંધો ધીમે ધીમે યોગ્ય દિશામાં આગળ વધ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા નવ મહિનાની પ્રગતિ ભારત અને ચીનની સરહદો પર શાંતિ જાળવવાની આપણી ક્ષમતાનું પરિણામ છે. તેમણે આ વ્યૂહાત્મક વિશ્વાસને બંને દેશો વચ્ચે સ્થિર સંબંધોનો મૂળભૂત પાયો ગણાવ્યો.
સંવેદનશીલતાને પ્રાથમિકતા આપવી જોઈએ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે એમ પણ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિર અને રચનાત્મક સંબંધો ફક્ત આ બે દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક છે. આ માટે પરસ્પર આદર, હિત અને સંવેદનશીલતાને પ્રાથમિકતા આપવી જોઈએ.