India-China border પર સશસ્ત્ર સંઘર્ષનું જોખમ, ચીન વિશ્વશાંતિ માટે ખતરારૂપ: યુએસ અહેવાલમાં મોટો દાવો
વોશિંગ્ટન: હંમેશા સંવેદનશીલ ગણાતી ભારત ચીન-બોર્ડર પર સશસ્ત્ર સંઘર્ષ થવાની શક્યતા વધી રહી છે, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ આ અંગે શક્યતા વ્યક્ત કરી હતી. સરહદ પર બંને પક્ષોએ વધારવામાં આવેલી સૈન્યની ઉપસ્થિતિ અને વધી રહેલી સૈન્ય ગતિવિધિઓને આધારે આ ચેતવણી આપવામાં આવી છે. ચેતવણી મુજબ બંને દેશોના સૈન્ય વચ્ચે છૂટાછવાયા એન્કાઉન્ટર સાથે બંને દેશો દ્વિપક્ષીય સંબંધ તણાવભર્યો રહેશે.
સોમવારે યુએસના ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (DNI)એ યુએસ ઈન્ટેલીજન્સ કમ્યુનીટીનો વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ રજુ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે ચીન ‘પ્રોજેક્ટ પાવર’ હેઠળ શ્રીલંકા અને પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં મિલીટરી સ્ટેશન સ્થાપવા તૈયારીઓ કરી રહ્યું છે.
અહેવાલ મુજબ “ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદને કારણે તેમના દ્વિપક્ષીય સંબંધો પણ તણાવપૂર્ણ રહેશે. વર્ષ 2020 બાદથી બંને પક્ષોએ ક્રોસ-બોર્ડર અથડામણની કોઈ મોટી ઘટના બની નથી, છતાં સરહદ પર બંને પક્ષે મોટા પ્રમાણમાં સૈન્ય તૈનાત છે, બંને પક્ષો વચ્ચે છૂટાછવાયા એન્કાઉન્ટરથી સશસ્ત્ર સંઘર્ષનું જોખમ વધી શકે છે.”
આ ઉપરાંત રિપોર્ટમાં સંવેદનશીલ વૈશ્વિક વ્યવસ્થા, ચીનની સૈન્ય વિસ્તરણ યોજનાઓ, ચીનની આક્રમક સાયબર કામગીરી અને 2024ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવાના ચીનના સંભવિત પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રીપોર્ટમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અન્ય સંઘર્ષો વિશે વાત કરવામાં આવી છે.
મે 2020 માં લદ્દાખ સેક્ટરમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીન અને ભારતીય સૈન્ય આમને સામને આવી ગયા બાદથી ભારત-ચીન સરહદની નજીકના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વધારો થયો છે. બંને પક્ષોએ લદ્દાખ સેક્ટરમાં લગભગ 50,000 સૈનિકો ગોઠવ્યા છે. ભારતે સ્પષ્ટ છે કર્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ નહીં થાય ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય ના થઇ શકે.
રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત સશસ્ત્ર સંઘર્ષની શક્યતા વ્યકત કરવામાં આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત વિરોધી આતંકવાદી જૂથોને સમર્થન આપવાનો પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પાકિસ્તાની ઉશ્કેરણીઓનો લશ્કરી જવાબ આપવા માટે ભારતની તૈયારીઓને કારણે ઉગ્ર સંઘર્ષનું જોખમ વધ્યું છે.”
ભારતના પડોશમાં અને અન્ય વિસ્તારોમાં વિદેશમાં બેઝ સ્થાપવાની ચીનની યોજનાઓ આગળ વધતી રહેશે, અહેવાલમાં જણાવાયું છે કે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) વિદેશમાં પ્રોજેક્ટ પાવર અને ચીનના હિતોનું રક્ષણ કરવા મિલેટરી સ્ટેશનો સ્થાપના પર જોર આપશે.
રીપોર્ટ મુજબ જિબુટીમાં તેના મિલેટરી સ્ટેશન અને કંબોડિયામાં રીમ નેવલ બેઝ પર તેની મિલેટરી ફેસિલિટી વિકસાવવા ઉપરાંત, ચીન બર્મા, ક્યુબા, વિષુવવૃત્તીય ગિની, પાકિસ્તાન, સેશેલ્સ, શ્રીલંકા, તાજિકિસ્તાન, તાંઝાનિયા અને UAE સહિત ઘણા સ્થળોએ મિલીટરી ફેસીલીટી સ્થાપવા પગલા લઇ રહ્યું છે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે બેઇજિંગ 2035 સુધીમાં સંપૂર્ણપણે આધુનિક નેશનલ ડિફેન્સ અને મિલીટરી ફોર્સના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને 2049 સુધીમાં PLAને વિશ્વ કક્ષાનું સૈન્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અહેવાલ મુજબ આ દરમિયાન, CCP (ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી) PLA નો ઉપયોગ કરીને તેનો સાર્વભૌમ પ્રદેશ હોવાનો દાવો કરે છે, એ પ્રાદેશોની બાબતોમાં તેની પ્રાધાન્યતા દર્શાવવા અને વૈશ્વિક સ્તરે પાવર પ્રોજેક્ટ આગળ ઘપાવવા પ્રયત્નો કરશે. યુનાઇટેડ સ્ટેટ્સના અન્ય દેશમાં હસ્તક્ષેપને રોકવા ચીન પગલા ભરશે.