આર્થિક સર્વેક્ષણ 2023-24 : વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનું સ્થાન લેવું ભારત માટે નથી શક્ય
નવી દિલ્હી: વિશ્વની અનેક મોટી કંપનીઓ ચીનમાંથી બહાર નીકળીને અન્ય દેશોમાં ઉત્પાદન કરવાઆ પર જોર દઈ રહી છે. જો કે આ બાબતને ભારત અવસરમા પલટાવવા માંગે છે. ભારત સરકાર ઘણા સેક્ટર્સ માટે પીએલઆઈ સ્કીમો પણ લઈને આવી છે. પરંતુ આર્થિક સર્વેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભારત ઉત્પાદન ક્ષેત્રે ચીનની પીછેહઠનો લાભ ઉઠાવી શકશે તે જરા પણ તાર્કિક લાગતું નથી. આર્થિક સર્વે અનુસાર હાલના ડેટા ચીન ઉત્પાદનની બાબતે પીછેહઠ કરી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે.
આર્થિક સર્વેક્ષણમાં ભારત-ચીન વેપાર સંબંધો પર એક આખું પ્રકરણ લખવામાં આવ્યું છે. સર્વે મુજબ ભારત અને ચીન વચ્ચેના આર્થિક સંબંધો ઘણા જટિલ અને એકબીજા સાથે જોડાયેલા છે. ઘણા ઉત્પાદનોની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ચીનનું વર્ચસ્વ વૈશ્વિક ચિંતાનું કારણ છે. ખાસ કરીને યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન પુરવઠાની સમસ્યાએ આ ચિંતાને વધુ વધારી દીધી છે.
G-20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેનો આર્થિક વિકાસ દર ચીન કરતા વધારે છે. આમ છતાં ચીનની અર્થવ્યવસ્થાની સરખામણીમાં ભારતીય અર્થતંત્ર ખૂબ જ નાનું છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને આર્થિક સર્વેમાં સરકારને સૂચન કર્યું છે કે ભારતે તેની વૈશ્વિક નિકાસ વધારવા માટે ભારતે પોતાને ચીનની સપ્લાય ચેઇનમાં સામેલ કરવું જોઈએ અથવા ચીનથી આયાત વિદેશી રોકાણ આકર્ષવું જોઈએ.
ભારતના રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ પર અસરો થશે?
Critical And Rare Earth Mineralsના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં ચીનના ઈજારાએ સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. આનાથી ભારતના રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ પર પણ નકારાત્મક અસર પડી શકે છે કારણ કે ભારત રિન્યુએબલ એનર્જી માટે આયાતી કાચા માલ પર નિર્ભર છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ગત નાણાકીય વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની GDP 6.5 થી 7 ટકા રહેવાનો અંદાજ છે. ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં ફુગાવાનો દર 4.1 ટકા રહેવાનો અંદાજ છે. અર્થતંત્રને વેગ આપવા માટે આર્થિક સર્વેમાં જે પણ સૂચનો આપવામાં આવ્યા છે તે બજેટમાં પ્રતિબિંબિત થશે.