India-Canada: ભારત કેનેડાની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે! કેનેડા આરોપનો ભારતે આપ્યો જવાબ

નવી દિલ્હી: ભારત(India) અને કેનેડા (Canada) વચ્ચે રાજકીય તણાવ સતત વધી રહ્યો છે. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ દેશની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી રહ્યાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપો પર પ્રતિક્રિયા આપી છે અને ભારતે આરોપોને “પાયાવિહોણા” ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કેનેડા દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રાલયે ઓટ્ટાવા અપર દંભનો આરોપ લગાવ્યો હતો.
કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) ના અહેવાલો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકારોને સંબોધતા કહ્યું કે, “અમે કેનેડિયન કમિશનની તપાસ અંગેના મીડિયા અહેવાલો જોયા છે … અમે કેનેડિયન ચૂંટણીમાં ભારતીય દખલગીરીના આવા તમામ પાયાવિહોણા આરોપોને નકારીએ છીએ. મૂળ મુદ્દો ભૂતકાળમાં નવી દિલ્હીની બાબતોમાં ઓટ્ટાવાની દખલગીરી છે.”
તેમણે કહ્યું કે “અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલગીરી કરવી એ ભારતની સરકારની નીતિ નથી. હકીકતમાં, તદ્દન વિપરીત, હકીકતે કેનેડા અમારી આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે”
કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા એક એહેવાલ બહાર પાડ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ફેડરલ કમિશન ઑફ ઇન્ક્વાયરી 2019 અને 2021માં દેશની ચૂંટણીઓમાં ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા જેવા વિદેશી દેશોની સંભવિત દખલની તપાસ કરી રહ્યું છે.
CSIS ના દસ્તાવેજો મુજબ વર્ષ 2021માં ભારત સરકારનો કેનડાની ચુંટણીમાં દખલ કરવાનો અને કેનેડામાં ભારતીય સરકારના પ્રોક્સી એજન્ટનો ઉપયોગ કરવાનો ઈરાદો હતો, ઉપરાંત સંભવતઃ ગુપ્ત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
જો કે, CSISના ડિરેક્ટર ડેવિડ વિગ્નોલ્ટે જણાવ્યું હતું કે રિપોર્ટમાં ઉલ્લેખિત આરોપોને તથ્ય ગણવા જોઈએ નહીં અને વધુ તપાસ થઇ રહી છે. રિપોર્ટમાં ઉલ્લેખિત માહિતી સિંગલ-સોર્સથી મળેલી અથવા અધૂરી હોવાનું જણાય છે, જેની તપાસ થઇ રહી છે.
ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે.