Bangladesh Violence: 100 થી વધુ લોકોના મોત, ભારતે નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા(Bangladesh Violence) વચ્ચે 100 થી વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન હિંસક બની ગયું છે. ત્યારે બાંગ્લાદેશની શેખ હસીના સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી કર્ફ્યુ અને સેના તૈનાતીની જાહેરાત કરી છે. બીજી તરફ આ સ્થિતિ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ બાંગ્લાદેશનો આંતરિક મુદ્દો છે અને ત્યાં તમામ ભારતીયો સુરક્ષિત છે. ભારત સરકારે નાગરિકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે.
બાંગ્લાદેશની યાત્રા ન કરો: વિદેશ મંત્રાલય
બાંગ્લાદેશમાં હિંસાને કારણે 100 થી વધુ લોકોના મોત થયા છે. ભારત સરકારે નાગરિકોને એડવાઈઝરી જાહેર કરીને બાંગ્લાદેશના પ્રવાસનું આયોજન કરી રહેલા કોઈપણને હાલ પૂરતું મુલતવી રાખવા જણાવ્યું છે.
વિદેશ મંત્રાલયે ઈમરજન્સી ફોન નંબર જાહેર કર્યા
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા, વધુ પડતી મુસાફરી ટાળવા અને ઢાકામાં ભારતીય દૂતાવાસના ઇમરજન્સી ફોન નંબરના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે ઈમરજન્સી ફોન નંબર જાહેર કર્યા છે. આવી કોઈપણ પરિસ્થિતિમાં, +8801958383679 +8801958383680 +8801937400591 પર કોલ કરી શકાય છે.
બાંગ્લાદેશમાં કેમ હિંસક તોફાનો ?
તાજેતરમાં બાંગ્લાદેશમાં અનામતને લઈને ઘણો હંગામો થયો હતો. જેનો ત્યાંની સુપ્રીમ કોર્ટે અંત કર્યો હતો. સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે થયેલા હોબાળાને લઈને હવે વિરોધીઓ સરકાર પાસે રાજીનામાની માંગ કરી રહ્યા છે. રવિવારે ” વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભેદભાવ” ના બેનર હેઠળ અસહકાર કાર્યક્રમમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ આવ્યા હતા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.
14 પોલીસ જવાનો શહીદ થયાના સમાચાર
અસહકાર ચળવળને લઈને દેશભરમાં અથડામણ, ગોળીબાર અને વળતા હુમલામાં ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 14 પોલીસ જવાનો શહીદ થયાના સમાચાર છે. આ તોફાનોને જોતા રવિવારે સાંજથી દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન શેખ હસીનાનું નિવેદન આવ્યું
વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશમાં વિરોધના નામે તોડફોડ કરવામાં આવી રહી છે. આવું કરનારા લોકો વિદ્યાર્થીઓ નથી, પરંતુ આતંકવાદીઓ છે. તેમણે પોલીસ અને સેનાને આવા લોકો સાથે કડકાઈથી વ્યવહાર કરવા જણાવ્યું હતું. સરકારે સોમવાર, મંગળવાર અને બુધવારે ત્રણ દિવસની રજા પણ જાહેર કરી છે.