મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મીડિયા વૉર હવે હદ વટાવી રહી છે…
મેલબર્ન: પાંચ મૅચની બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ ત્રણ ટેસ્ટ પછી પણ 1-1ની બરાબરીમાં છે અને આવનારા દિવસોમાં આ શ્રેણીમાં ક્રિકેટ-યુદ્ધ ચરમસીમાએ પહોંચશે એ પહેલા બંને દેશના પત્રકારો વચ્ચેની મીડિયા-વૉર હદ પાર કરી રહી છે.
મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ ગુરૂવાર, 26મી ડિસેમ્બરે (બોક્સિંગ-ડેએ) શરૂ થશે.
ગયા અઠવાડિયે મેલબર્ન ઍરપોર્ટ ખાતે ઑસ્ટ્રેલિયાની એક જાણીતી ચેનલની મીડિયા ટીમે પરવાનગી લીધા વગર વિરાટ કોહલી અને તેના બંને બાળકો સહિત પૂરા પરિવારનો વિડિયો ઉતારવાનું શરૂ કર્યું ત્યારથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની મીડિયા-વૉર શરૂ થઈ હતી.
શનિવારે રવીન્દ્ર જાડેજાએ પ્રેસ કૉન્ફરન્સમાં માત્ર હિન્દી ભાષામાં સંબોધન કર્યું અને પત્રકારોના સવાલના જવાબ હિન્દીમાં જ આપ્યા એ સાથે મીડિયા-વૉર ઉગ્ર બની હતી. હકીકતમાં એ પ્રેસ કૉન્ફરન્સ માત્ર ભારતીય મીડિયામેન માટે જ હતી અને એમાં ઑસ્ટ્રેલિયન મીડિયાના પત્રકારો આવી ગયા હતા અને અંગ્રેજીમાં જાડેજાએ જવાબ ન આપ્યા એટલે ગુસ્સે થયા હતા. જાડેજાએ અચાનક જ કૉન્ફરન્સ સમેટી લીધી એટલે મામલો વણસી ગયો હતો. ટીમની બસ આવી ગઈ હોવાથી પત્રકાર પરિષદ વહેલી સમેટી લેવામાં આવી રહી છે એવું જાડેજાએ કહ્યું હોવાનો આક્ષેપ ઑસ્ટ્રેલિયન મીડિયાએ કર્યો હતો. જોકે ભારતે એ આક્ષેપ સાફ શબ્દોમાં નકારી કાઢ્યો હતો.
રવિવારે પેસ બોલર આકાશ દીપે પણ પ્રેસ કૉન્ફરન્સમાં ફક્ત હિન્દીમાં જ જવાબ આપ્યા હતા અને ઑસ્ટ્રેલિયાના પત્રકારો સાથેનો તેનો વાર્તાલાપ અસરદાર નહોતો રહ્યો.
વાસ્તવમાં મેલબર્નમાં ભારતીય મીડિયા માટે જ પત્રકાર પરિષદ રખાતી હોવા છતાં એ સંબંધમાં ઑસ્ટ્રેલિયન મીડિયા ખોટો હોબાળો મચાવે છે.
ગરમાગરમીના આ વાતાવરણમાં રવિવારે ભારતના મીડિયા મૅનેજરે ઑસ્ટ્રેલિયન મીડિયાના અવ્યવહારુ વર્તનને કારણે ભારતીય પત્રકારો અને ઑસ્ટ્રેલિયાના પત્રકારો વચ્ચેની ફ્રેન્ડલી ક્રિકેટ મૅચમાંથી ભારતીય પત્રકારોની ટીમનું નામ પાછું ખેંચી લીધું હતું જેને પગલે એ મૅચ છેવટે રદ કરવામાં આવી હતી. ભારતીય પત્રકારોએ પણ આ મૅચ રમવામાં અનિચ્છા બતાવી હતી.