આજથી બ્રિટનના સ્ટુડન્ટ વિઝા ફી અને વિઝિટર વિઝા ફીમાં વધારો લાગુ | મુંબઈ સમાચાર

આજથી બ્રિટનના સ્ટુડન્ટ વિઝા ફી અને વિઝિટર વિઝા ફીમાં વધારો લાગુ

બ્રિટનની યાત્રા કરવા તેમજ ત્યાં જઇને ભણવા ઇચ્છતા લોકો માટે અત્યંત મહત્વના સમાચાર છે. આજથી બ્રિટનની સરકાર દ્વારા 6 મહિનાથી ઓછી વિઝિટર વિઝાની યાત્રા માટેની ફીમાં 15 પાઉન્ડનો વધારો અને સ્ટુડન્ટ વિઝા ફીમાં 127 પાઉન્ડનો વધારો અમલી ગણાશે, આથી આ વધારા બાદની નવી ફી વિઝિટર વિઝા માટે 115 પાઉન્ડ અને સ્ટુડન્ટ વિઝા માટે 490 પાઉન્ડ થઇ જશે.

જો કે ટૂંકાગાળાના અભ્યાસક્રમો માટે વિઝા ફીમાં કોઇ વધારો થશે નહિ, જે વિદ્યાર્થીઓ 6 મહિનાથી વધુ પરંતુ 11 મહિનાથી ઓછા સમય માટે અભ્યાસ કરે છે તેમના માટે વિઝા ફીમાં વધારો થશે નહિ. વર્કર્સ માટે, જ્યાં 3 વર્ષ કે તેથી ઓછા સમય માટે સ્પોન્સરશિપનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય ત્યાં 625 પાઉન્ડથી વધીને 719 પાઉન્ડ થશે. તેમજ જો 3 વર્ષથી વધુ સમય માટે આપવામાં આવ્યું હોય તો ઇમિગ્રેશન ફી 1235 પાઉન્ડથી વધીને 1420 પાઉન્ડ થશે.

બ્રિટનની સંસદમાં ગયા મહિને જ ફી વધારા અંગેના કાયદાની રજૂઆત કરવામાં આવી હતી. ગત જુલાઇ મહિનામાં જ બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે અમે આ દેશમાં આવનારા પ્રવાસીઓ માટેના વિઝા ફીમાં વધારો કરવા જઇ રહ્યાં છીએ. બ્રિટનના ગૃહ મંત્રાલયની ઓફિસના પ્રવક્તાના જણાવ્યા મુજબ દેશમાં મહત્વપૂર્ણ જાહેર સેવાઓ માટે વધુ ફંડ ફાળવી શકાય તે માટે આ વધારો અમલમાં મુકવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

Back to top button