ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં મંદિરમાંથી PM Modiએ આપેલી ભેટની થઇ ચોરી

બાંગ્લાદેશમાં જ્યારથી લોકશાહી સરકારનું પતન થયું છે ત્યારથઈ હિંદુઓ પર અત્યાચાર ઘણા જ વધી ગયા છે. મોહમ્મદ યુનુસની સરકાર સત્તામાં આવ્યા બાદ પણ પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી છે. હિંદુઓના ઘરો અને મંદિરો જાણે બોડી બામણીનું ખેતર હોય એવા બની ગયા છે અહીં ગમેત્યારે લૂંટફાટ અને ખાનાખરાબી થયા કરે છે. હવે એમ જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ આપવામાં આવેલ દેવી કાલીનો મુગટ ચોરાઈ ગયો છે.

આ તાજ એટલા માટે ખાસ હતો કારણ કે તેને ત્રણ વર્ષ પહેલા ખુદ પીએમ મોદીએ ભેટમાં આપ્યો હતો. નોંધનીય છે કે આ મંદિર હિંદુ ધર્મની 52 શક્તિપીઠોમાંનું એક છે.
મંદિરના પૂજારી દિલીપ મુખરજીના જણાવ્યા અનુસાર, તેઓ દિવસની પૂજા વિધિ પૂરી કર્યા બાદ લગભગ 2:00 વાગ્યે મંદિરમાંથી બહાર નીકળ્યા હતા. થોડા સમય બાદ મંદિરના સફાઈ કર્મચારીઓ પરિસરની સફાઈ કરવા અંદર આવ્યા હતા. ત્યારે તેઓએ જોયું હતું કે દેવીના માથામાંથી તાજ ગાયબ હતો. પીએમ મોદીએ તેમની બાંગ્લાદેશ મુલાકાતના ભાગરૂપે 27 માર્ચ, 2021ના રોજ જેશોરેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી.

શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તૈજુલ ઈસ્લામે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેઓ ચોરને ઓળખવા માટે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે. પેઢીઓથી મંદિરની સંભાળ રાખનારા પરિવારના સભ્યોમાંથી એક જ્યોતિ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે મુગટ ચાંદીનો બનેલો હતો અને તેના પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ત્રણેક વર્ષ પહેલા જ્યારે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે બંને દેશ વચ્ચે દોસ્તીના પ્રતિકરૂપે આ મુગટ ભેટમાં આપ્યો હતો. ત્યારે પીએમ મોદીએ મંદિરની તેમની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જે કોવિડ-19 રોગચાળા પછી કોઈપણ દેશની તેમની પ્રથમ મુલાકાત હતી. અફસોસ કે મોહમ્મદ યુનુસની સરકાર માતાના મુગટની રક્ષા કરી શકી નથી.

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર એમ માનવામાં આવે છે કે આ મંદિર 12મી સદીના ઉત્તરાર્ધમાં અનારી નામના બ્રાહ્મણ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમણે જશોરેશ્વરી મંદિર માટે 100 દરવાજાનું મંદિર બનાવ્યું અને બાદમાં 13મી સદીમાં લક્ષ્મણ સેન દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને અંતે રાજા પ્રતાપદિત્યએ 16મી સદીમાં મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. 

ચોરાયેલો મુગટ ભક્તો માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે કારણ કે જેશોરેશ્વરી મંદિર ભારત અને પડોશી દેશોમાં ફેલાયેલ 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button