
ઈસ્લામાબાદઃ આગામી મહીને પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે, એ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની પાર્ટીના ઘણા નેતાઓને ચૂંટણી લડવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને ઈમરાન ખાન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, ઈમરાન ખાન હજુ પણ જેલમાં છે અને તેને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી નથી. ઈમરાન ખાન તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં બંધ છે. કોર્ટે તેમને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. પરંતુ તેમની પાર્ટીના અન્ય ઘણા નેતાઓને હવે ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ)ના નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર રાહત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે 8 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં પાર્ટીના પ્રમુખ પરવેઝ ઈલાહી અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓને સામાન્ય ચૂંટણીમાં ભાગની અનુમતિ આપી છે. ઇમરાન ખાન હાલ જેલમાં છે.
લાહોર હાઈકોર્ટ (LHC) અને ઈલેક્શન ટ્રિબ્યુનલ દ્વારા ઉમેદવારીની અરજી ફગાવી દેવા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પીટીઆઈના અન્ય નેતાઓ ઓમર અસલમ, તાહિર સાદિક, સનમ જાવેદ અને શૌકત બસરાને પણ આગામી સામાન્ય ચૂંટણી લડવાની મંજૂરી આપી છે.