ઈમરાન ખાનનું જેલમાં રહસ્યમય મૃત્યુ? સમર્થકોની જેલભણી આગેકૂચ, પાકિસ્તાનમાં ઉથલપાથલના એંધાણ

રાવલપિંડીઃ પાકિસ્તાનની રાવલપિંડી જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની હત્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેના કારણે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક એ ઇંસાફના સમર્થકો આદિયાલા જેલ તરફ કૂચ કરવા લાગ્યા છે, જેના પરિણામે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વર્ષ 2023માં ભ્રષ્ટાચારના આરોપમાં ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ઈમરાન ખાન પત્ની બુશરા બીબી સાથે આદિયાલા જેલમાં બંધ છે. ઈમરાને તાજેતરમાં જ તેની જેલમાં હત્યા થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, જેલમાં મારી સાથે કંઈ થશે તો તેની જવાબદારી સેના પ્રમુખ આસિમ મુનીરની હશે.
આ પણ વાંચો: Corruption Case: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પત્નીની મુશ્કેલીમાં વધારો
રાવલપિંડી સ્થિત આદિયાલા જેલની બહાર ઈમરાન ખાનના સમર્થકોએ ગઈકાલે પ્રદર્શન કર્યું હતું, જેમાં ઈમરાન ખાનની બહેન આલિમા પણ સામેલ થઈ હતી. તેની બહેને કહ્યું કે, કોઈને પણ ઈમરાન ખાનને મળવા દેવામાં આવતા નથી. અમે ત્રણ સપ્તાહથી મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ. જેટલી વખત અરજી કરીએ છીએ તેને રિજેક્ટ કરી દેવામાં આવે છે.
ઈમરાનના મૃત્યુના સમાચાર કેવી રીતે ફેલાયા?
ઈમરાન ખાનના મૃત્યુને લઈ વિવિધ સમાચારો ચાલી રહ્યા છે, જે મુજબ મીડિયાના અહેવાલ મુજબ ઈમરાન ખાનના મૃત્યુના સમાચાર બ્રેક કર્યા હતા. ત્યાર બાદ આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. આ સમાચારનું પાકિસ્તાન સરકારે હજી સુધી ખંડન કર્યું નથી કે ન તો જેલ પ્રશાસને આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું છે.
આ ઉપરાંત ડૉન અખબારના પત્રકાર ઇફ્તિખારે જણાવ્યું કે – ઈમરાનને કોઈને મળવા દેવામાં આવી રહ્યા નથી. ન તો ડૉક્ટર કે ન તો વકીલ તેમને મળી શકે છે. ઈમરાને થોડા અઠવાડિયા પહેલાં પોતે બીમાર હોવાની વાત કહી હતી. આથી, તેમના સમર્થકો પરેશાન છે. તેમના મતે છેલ્લા 7 દિવસથી જેલની અંદર ઈમરાન ખાનને કોઈએ જોયા નથી. બહારના લોકોને પણ મળવા દેવામાં આવતા નથી. જે મૃત્યુના સમાચાર ફેલાઈ રહ્યા છે, તેની પાછળ એક કારણ આ પણ છે.
પાકિસ્તાનની એટીસી (એન્ટી-ટેરરિઝમ કોર્ટ)એ રાવલપિંડીને મજબૂતીથી ઘેરવા માટે કહ્યું છે. એટીસીના આ આદેશ બાદ કહેવામાં આવી રહ્યું છે કે દાળમાં જરૂર કંઈક કાળું છે. જોકે, જેલ પ્રશાસને હજી સુધી ઈમરાન વિશે કોઈ ટિપ્પણી કરી નથી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા અબ્દુલ સમદના જણાવ્યા મુજબ, 2 અઠવાડિયાથી ઈમરાન ખાનનો સંપર્ક થઈ શક્યો નથી. અમે લોકો ચિંતામાં છીએ. તેમના વિશે કોઈ સમાચાર મળી રહ્યા નથી.



