Pakistan Election: જેલમાં રહેલા ઇમરાન ખાનની કમાલ, ‘વાપસી’ના સંકેત?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની લોકસભા માટે 336 બેઠક અને ચાર પ્રાંતીય વિધાનસભા માટે ચૂંટણી થઈ હતી, જેમાં ઈમરાન ખાન સમર્થિત ઉમેદવારો પીએમએલ-એ જોરદાર ટક્કર આપી હતી. બીજી બાજુ નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોને એક-એક સીટ પર વિજય મળ્યો હતો, જ્યારે બીજી બાજુ હાર મળી હતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે પીટીઆઈ સમર્થિત ઈમરાન ખાનની પાર્ટીની ઉમેદવાર સુરિયા બીબીએ ઈતિહાસ રચ્યો છે. જેલમાં રહેલા ઈમરાન ખાનની પાર્ટીનું ચિહન અને નામ છીનવ્યા પછી પણ ધમાકેદાર વિજય સાથે આગળ વધી રહી છે.
ઈમરાન ખાન સમર્થિત 86 સીટ પર સૌથી આગળ છે, પરંતુ બીજી બાજુ 19 શહેરમાં વિરોધ પ્રદર્શન અને ગોળીબારના બનાવ નોંધાયા છે. નેશનલ એસેમ્બલીને 336 બેઠક છે, જ્યારે 265 બેઠક પર ચૂંટણી યોજવામાં આવી છે, જ્યારે એક સીટ પર ચૂંટણી સ્થગિત કરી હતી. સરકાર બનાવવા માટે 134 સીટ પર બહુમતી મળવી જોઈએ. હાલના તબક્કે પાકિસ્તાનમાં ત્રણ મુખ્ય પાર્ટી છે, જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન), પાકિસ્તાન તહરિક-એ ઈન્સાફ (પીટીઆઈ) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)નો સમાવેશ થાય છે.
લખાય છે ત્યાં સુધીમાં 265માંથી 200 બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઈમરાન ખાનની પાર્ટીને 86, પાકિસ્તાન મુસ્લિમ લીગને 59 અને પીપીપીને 44 બેઠક પર વિજય મળ્યો છે. (2018માં ત્રણેય પાર્ટીમાં પીટીઆઈ 148 બેઠક મળી હતી, જ્યારે પીએમએલને 82 અને પીપીપીને 54 મળી હતી) જોકે, ‘અભૂતપૂર્વ મતદાન’એ સમગ્ર સિસ્ટમને સ્તબ્ધ કરી દીધી છે અને ચૂંટણી પરિણામોને ‘બદલવાનો’ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે શુક્રવારે આરોપ મૂક્યો હતો.
આતંકવાદી હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે સરકાર દ્વારા મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓને સ્થગિત કર્યા બાદ ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઇ) પાર્ટી પર કાર્યવાહી, છૂટાછવાયા હિંસાના બનાવો અને કનેક્ટિવિટીના મુદ્દાઓથી પ્રભાવિત ચૂંટણીમાં મતદાનના સમાપન બાદ મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી નેતા બનેલાની પાર્ટીએ કહ્યું કે ‘અભૂતપૂર્વ મતદાન’એ દેશને સ્તબ્ધ કરી દીધો છે.
સામાન્ય ચૂંટણીમાં મતદાન સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થઇ ગયું હોવા છતાં અડધી રાત્રે સાત કલાકથી વધુનો સમય વીત્યા બાદ પણ દેશ પરિણામોની રાહ જોઇ રહ્યો છે. સરકારી ટીવી, ખાનગી ચેનલો અને સ્થાનિક મીડિયાએ પરિણામોની જાહેરાત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જોકે સિંઘ અને ખૈબર-પખ્તુનખ્વાના અમુક મતવિસ્તારોના પરિણામો હજુ બાકી હોવા સાથે પ્રગતિ ધીમી રહી છે. ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે આ વિલંબને લઇને ચિંતા અને વિરોધ વ્યક્ત કર્યો છે.
ખાનની પીટીઆઇએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીની ઐતિહાસિક જીતના ડરથી હવે ચૂંટણી પરિણામોને રોકવામાં આવી રહ્યા છે. પીટીઆઇએ કહ્યું કે તેના સમર્થકોએ ૨૦૨૪માં સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક મતદાનથી સમગ્ર વ્યવસ્થાને હેરાન અને ચિંતિત કરી દીધી છે. એક્સ પર એક પોસ્ટમાં પાર્ટીએ મતદારોને ચૂંટણી પરિણામોમાં કથિત છેડછાડને રોકવા માટે તેમના સંબંધિત મતદાન કેન્દ્રો પર જવા માટે અપીલ કરી હતી.