ઇન્ટરનેશનલ

ચૂંટણી પરિણામો પહેલા Imran Khanને એકસાથે 12 કેસમાં જામીન, 100થી વધુ બેઠકો પર PTIએ મેળવી જીત

Pakistan Election Results: પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલા મતદાનની મતગણતરી હજુ પણ ચાલુ છે. અમુક બેઠકોના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી નથી. એવામાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન(Imran Khan) ને મોટી રાહત મળી છે. કોર્ટે ગયા વર્ષે 9 મેના રોજ થયેલી હિંસાના કેસ સહિત કુલ 12 કેસમાં તેમને જામીન આપી દીધા છે. ઇમરાન ખાનની પાર્ટી PTIને સમર્થન આપનારા અપક્ષ ઉમેદવારો પણ હાલના પરિણામોમાં અન્ય પક્ષ કરતા આગળ જોવા મળી રહ્યા છે. ઇમરાન ખાનની સાથે જ વિદેશ મંત્રી રહેલા શાહ મહમૂદ કુરેશીને પણ રાહત આપવામાં આવી છે.

ગત વર્ષે 9 મેના રોજ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભારે હિંસા થઇ હતી જેમાં ઇમરાન ખાન સહિત પીટીઆઇના અનેક નેતાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઇમરાન ખાનની ધરપકડ થતા સ્થિતિ વધુ ગંભીર બની હતી, ઇમરાન ખાનના સમર્થકોએ અનેક જગ્યાઓએ હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે લાહોર સહિત અન્ય શહેરોના પોલીસ સ્ટેશનો પર હુમલો કર્યો હતો. તેઓ રાવલપિંડીમાં સેનાની છાવણીઓમાં ઘુસી ગયા હતા અને તોડફોડ કરી હતી.

વર્ષ 2022માં ઇમરાનની સરકાર પડી ભાંગી હતી અને તેને અમુક કેસમાં દોષી ઠેરવીને ઘણા વર્ષોની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે ઇમરાન ખાનના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. અને તેમની પાર્ટીનું ચૂંટણી ચિહ્ન બેટ પણ જપ્ત કરી દીધુ હતું. હાલ 9મેની હિંસા બદલ ઇમરાનને જામીન આપવામાં આવ્યા છે પરંતુ અન્ય એક કેસમાં તેમને 10 વર્ષની સજા થઇ છે આથી હાલ તો તેઓ જેલની બહાર આવે તેવું લાગતું નથી. જો કે પ્રતિબંધ હોવાને પગલે ઇમરાન ખાનના પક્ષના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, અને પોતપોતાની બેઠક પર જીત મેળવીને તેઓ ઇમરાન ખાનને સમર્થન આપી રહ્યા છે. આ તમામ ઉમેદવારો બહુમતી મેળવી લે તો ફરી ઇમરાન ખાનના કોઇ નવા પક્ષની રચના થાય અથવા તેમના પક્ષ PTI પરથી પ્રતિબંધ ઉઠી જાય તેવું પણ બનવાની શક્યતાઓ છે.

લેટેસ્ટ પરિણામોની વાત કરીએ તો સ્થાનિક મીડિયા મુજબ ઇમરાન ખાનના સમર્થક એવા અપક્ષ ઉમેદવારોએ 100થી વધુ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે નવાઝની પાર્ટી (PML-N) એ આશરે 70 જેટલી બેઠકો પર જીત મેળવી છે. ત્રીજી પાર્ટી છે બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આશરે 54 બેઠકો પર જીત મેળવી છે અને હાલના પરિણામોમાં ત્રીજા ક્રમે છે. નવાઝ શરીફ (Nawaz Sharif) અને તેમના પુત્રી મરિયમ નવાઝ (Marium Nawaz) બંનેએ પોતપોતાની બેઠકો પર જીત મેળવી હતી.

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો બંને ગઠબંધન સરકાર રચવાની તજવીજ કરી રહ્યા છે. ઇમરાન ખાન અને નવાઝ શરીફ બંને દ્વારા બહુમતનો દાવો કરવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button