Pakistan માં અર્ધ-સૈનિક દળને નિશાન બનાવીને આઇઇડી બ્લાસ્ટ, ચાર નાગરિક ઘાયલ
ઇસ્લામાબાદ: છેલ્લા ઘણા સમયમાં પાકિસ્તાનના(Pakistan)વિવિધ શહેરોમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. જેમાં શુક્રવારે પાકિસ્તાનના ચમન શહેરમાં પાકિસ્તાનમાં ફ્રન્ટિયર કોર્પ્સના (અર્ધ-સૈનિક દળ) જવાનોને લઈ જતી ટ્રકને નિશાન બનાવીને કરાયેલા આઇઇડી વિસ્ફોટમાં ચાર નાગરિકો ઘાયલ થયા છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, સદનસીબે આ આતંકવાદી હુમલામાં ફ્રન્ટિયર કોર્પ્સના કોઈ સૈનિકને ઈજા થઈ ન હતી.
રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરવામાં આવ્યો
પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ફ્રન્ટિયર કોર્પ્સ કર્મચારીઓને લઈ જતા ટ્રકને નિશાન બનાવવા માટે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ નો ઉપયોગ કર્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ ફ્રન્ટિયર કોર્પ્સ જવાન ઘાયલ થયો નથી. ટ્રકમાં ઘણા સૈનિકો સવાર હતા. આવી સ્થિતિમાં મોટો અકસ્માત થઈ શક્યો હોત. આઇઇડી રસ્તાની બાજુમાં એક મોટરસાઇકલ પર લગાવવામાં આવ્યો હતો અને એક ટ્રક પસાર થતાં રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
સરકાર લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ
બલુચિસ્તાન પોલીસ મહાનિરીક્ષક કાર્યાલયના જનસંપર્ક અધિકારી રાબિયા તારીકે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ રિમોટ બોમ્બ સૈનિકોને નિશાન બનાવવા માટે ગોઠવવામાં આવ્યો હતો.જોકે, તેમને કોઇ નુકશાન થયું નથી. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક નિવેદનમાં વિસ્ફોટની નિંદા કરી અને તેને કાયરતાનું કૃત્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે સરકાર લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને શાંતિ વિરોધી તત્વોના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવશે.