ભૂકંપથી મ્યાનમાર-થાઈલેન્ડમાં સેંકડોનાં મોતઃ 700થી વધુ ઘવાયા, તારાજીના વાઈરલ વીડિયો જુઓ…

મ્યાનમાર, થાઇલેન્ડ, ચીન અને ભારતના ભાગોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમાર અને થાઈલેન્ડમાં રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો, જેના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ છે. શક્તિશાળીને ભૂકંપે બંને દેશોમાં મોટી તારાજી સર્જી છે, જ્યારે હજારો લોકો ઘરબાર વિહોણા થવાની સાથે અનેક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે, પરંતુ આ ભૂકંપને કારણે અનેક વાઈરલ વીડિયોએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે.
મ્યાનમારમાં ભૂકંપને કારણે 144 લોકોના મોત થયા છે, જ્યારે 700થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઉપરાંત, થાઈલેન્ડમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલના તબક્કે પીડિતોને મદદ પહોંચાડવાની સાથે રેસ્ક્યૂ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે, જ્યારે બંને દેશના પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમર્જન્સી જાહેર કરી છે. આજે બંને દેશમાં દિવસમાં પાંચથી છ વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોના જીવ પડિકે બંધાયા છે.

કાટમાળમાં ફસાયેલા શ્રમિકે માગી હતી મદદ
થાઈલેન્ડની રાજધાની બેંગકોક અને મ્યાનમારમાં સૌથી મોટી તબાહી સર્જાઈ છે, જેમાં અનેક શહેરોના સંપર્કો તૂટ્યા છે. મેટ્રો અને ટ્રેનસેવા સ્થગિત કરવાની સાથે શહેરના અનેક ટાવર્સ જમીનદોસ્ત થવાથી મોટી જાનહાનિ થવાના સમાચાર છે. જોકે, બેંગકોકના એક વીડિયોમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી થતી જોવા મળી રહી છે અને ત્યાં હાજર લોકો ચીસો પાડીને ભાગી રહ્યા છે. ભૂકંપના કારણે ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળ નીચે ફસાયેલા એક શ્રમિકનો વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે મદદ માટે વિનંતી કરતો જોવા મળે છે.
શ્રમિકનું અડધો અડધ કરતા વધુ શરીર કાટમાળમાં ખૂંપાયેલું જોવા મળ્યું હતું. અચાનક આવેલી આપત્તિમાંથી ઉગારવા માટે તે અપીલ કરતો હતો, જ્યારે તેની આસપાસના લોકો દોડોદાડી કરી મૂકી હતી. જોકે, તેને જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ દુખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતી વખતે યુઝરે દાવો કર્યો છે કે લગભગ 43 લોકો આ કાટમાળ નીચે દટાયા છે.
અંગ્રેજોના જમાનાનો પુલ ધરાશાયી
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. મ્યાનમારમાં એક નદી પર બનેલો પુલ તૂટી પડ્યો. આ ભૂકંપના કારણે થયેલા નુકસાનના ઘણા ડરામણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
મ્યાનમારમાં લગભગ 90 વર્ષ જૂનો અંગ્રેજોનો પુલ ભૂકંપને કારણે ધરાશાયી થયો હતો. 1934માં અંગ્રેજો દ્વારા ઐતિહાસિક પુલ (અવા બ્રિજ)નું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ભૂકંપને કારણે આજે નુકસાન પહોંચ્યું હતું, જેને સોશિયલ મીડિયા પર પણ લોકોએ વીડિયો શેર કર્યા હતા. આ પુલને અય્યરવાડી નદી પર બનાવવામાં આવ્યો હતો.
શક્તિશાળી ભૂકંપને કારણે પગોડાને નુકસાન
મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે દેશના સૌથી લોકપ્રિય મંદિર અને બૌદ્ધ ધર્મના પગોડાને જોરદાર નુકસાન થયું હતું. ભૂકંપના શક્તિશાળી આંચકાને કારણે વૈલુવાન મોનેસ્ટ્રીને નુકસાન થયું હતું, જ્યાં મોટી જાનહાનિના સમાચાર છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેની તસવીરો શેર કરીને જાનહાનિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
એરપોર્ટ પર જીવ બચાવવા રનવે પર લોકો સૂઈ ગયા
ભૂકંપના તીવ્ર આંચકા બાદ મ્યાનમારના મંડલે એરપોર્ટ પરથી લોકોને બચાવી લેવાયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એરપોર્ટ પર એલર્ટ એલાર્મ વાગતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એરપોર્ટ પર હાજર પર્યટકોએ જીવ બચાવવા માટે જમીન પર સૂઈ ગયા હતા, જ્યારે અનેક પ્લેન પણ હાલકડોલક ચાલતા જોવા મળ્યા હતા, જ્યારે બીજી બાજુ મેટ્રો પણ રમકડાંના માફક સ્ટેશનના પરિસરમાં ડગમગું થતા લોકો ચિંતામાં મૂકાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું
રિપોર્ટ અનુસાર, 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ મ્યાનમારની સેનાએ દેશના ઘણા ભાગોમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આજે કોલકાતા અને ઈમ્ફાલમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અને જર્મનીના જીએફઝેડ જીઓલોજી સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ બપોરે 10 કિલોમીટર (6.2 માઈલ) ની ઊંડાઈએ આવ્યો હતો, તેનું કેન્દ્ર પડોશી મ્યાનમારમાં હતું.
આ પણ વાંચો : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપનું કારણ શું? વાંચો શું કહે છે વૈજ્ઞાનિકો…