ગાઝા પટ્ટી પર જમીની હુમલાથી ઇઝરાયલને કેટલું નુકસાન?

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના જંગનો આજે સાતમો દિવસ છે. ઇઝારાયલી સેનાએ ગાઝા પટ્ટી પર હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ જમીની ઓપરેશનની તૈયારીઓ કરી લીધી છે. ગાઝાની ઉત્તરીય સરહદે ઇઝરાયલે એક ડઝન જેટલી ટેન્ક ઉતારી દીધી છે. ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીમાં રહેતા નાગરિકોને 24 કલાકની અંદર દક્ષિણ વિસ્તારમાં ખસી જવાની ચેતવણી આપી છે. હમાસ બાદ ઈઝરાયલના હવાઈ હુમલામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો ઈઝરાયલ જમીન પર હુમલો કરશે તો હમાસની સાથે ઈઝરાયલની સેનાને પણ નુકસાન વેઠવું પડી શકે છે.
યુદ્ધ ક્ષેત્રમાં 10 લાખથી વધુ લોકોની સામૂહિક અવરજવર થવાની છે. આમાંથી મોટાભાગના મહિલાઓ અને બાળકો છે, જેથી ઘણી જાનહાનિ થવાની આશંકા છે. સ્વાભાવિક છે કે આનાથી ખાદ્યપદાર્થો અને દવાઓના પહેલેથી જ ખોરવાઈ ગયેલા પુરવઠાને પણ અસર થશે. જમીની હુમલો લેબેનોનના આતંકવાદી સંગઠન હેઝબુલ્લાહને પણ ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ભાગીદારી વધારવા માટે ઉશ્કેરી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં લેબનોન બોર્ડર પર ઈઝરાયલ અને હેઝબુલ્લાહ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પૂર્ણ સંઘર્ષ નથી થયો.
હેઝબુલ્લાહ અને હમાસ એક સમયે એક જોઇન્ટ ઓપરેશન રૂમનો ભાગ રહી ચુક્યા છે. લેબેનોન, પેલેસ્ટાઇન, સિરીયા અને અન્ય ઇરાન સમર્થિત દેશો ઇઝરાયલના વિરોધી છે. કાર્નેગી મધ્ય પૂર્વ કેન્દ્રના મોહનાદ હેઝ અલીએ જણાવ્યું હતું કે આ ગઠબંધનનો કોઇપણ દેશ પર હુમલો એ અન્ય દેશોના હસ્તક્ષેપને ઉશ્કેરશે. જો જમીની હુમલો શરૂ થાય તો હેઝબુલ્લાહ પણ એમાં ભાગ લઇ શકે છે.
દુનિયાને લાગે છે કે ગાઝાની જમીન પર હુમલો કરીને હમાસને ખતમ કરવું એ ઇઝરાયલ માટે આસાન કામ છે, પરંતુ એવું નથી. ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ભૂતપૂર્વ વડા જિયોરા એઇલૅન્ડે આ અઠવાડિયાની શરૂઆતમાં એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ગાઝા પરના હવાઈ હુમલાઓ “અગાઉના ઇઝરાયલના ઓપરેશન્સ જેવા જ દેખાય છે” પરંતુ આ યુક્તિઓ વડે હમાસને ખતમ કરી શકાશે નહીં. તેમણે પછી કહ્યું હતું કે ઇઝરાયલી સરકાર જમીન પર હુમલો કરવા માટેની અનિચ્છા ધરાવે છે કારણ કે તેમાં ઘણા ઇઝરાયલીઓની જાનહાનિ થઇ શકે છે.