ઇન્ટરનેશનલ

63 વર્ષના માણસના આંતરડામાં જીવતી માખી પહોંચી ગઈ ને પછી…

આરોગ્યને લગતી ઘણી એવી સમસ્યાઓ કે ઘટનાઓ હોય છે જે તબીબીજગતને પણ અચરજમાં મૂકી દે છે. અમુક દરદીઓની બીમારી તો અમુકનું બીમારીમાંથી બહાર આવવું કોઈ પુસ્તકમાં નથી હોતું, પરંતુ હકીકતમાં ઘટનાઓ ઘટતી હોય છે. આવી જ ઘટના ઘટી છે અને ડૉક્ટરો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

અમેરિકામાં એક વ્યક્તિના મોટા આંતરડામાં ડોકટરોને એક માખી મળી આવી છે અને તે પણ હેમખેમ. ડોક્ટરો આ વાત માનતા નથી કારણ કે જો કોઈ વ્યક્તિના મોંમાં અથવા ખોરાક દ્વારા માખી પ્રવેશે છે, તો પેટમાં ઉત્પન્ન થતો એસિડ તેને જિવિત રહેવા દેતું નથી, પણ માખી સાબૂત છે અને તે પણ મોટા આંતરડામાં! આ કેવી રીતે શક્ય બની શકે તે અંગે ડોકટરો મૂંઝવણમાં છે.


અમેરિકન જર્નલ ઑફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે જ્યારે મિઝોરીમાં એક 63 વર્ષીય વ્યક્તિ તેના નિયમિત ટેસ્ટ માટે ગયો હતો, ત્યારે ડોક્ટરોને કોલોનોસ્કોપી દરમિયાન તેના આંતરડાની અંદર એક માખી મળી હતી, જે જીવિત હતી. તે નાના આંતરડાના અંતમાં અને મોટા આંતરડાની શરૂઆતમાં દેખાઈ હતી. યુનિવર્સિટી ઓફ મિઝોરી સ્કૂલ ઓફ મેડિસિનના ડોક્ટરોએ આ ઘટના વિશે જણાવ્યું છે.


63 વર્ષીય વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખતા અહીંના ડોક્ટરોએ કહ્યું છે કે તેઓ આ શોધથી આશ્ચર્યચકિત છે. કારણ કે દર્દી કહે છે કે તે મેડિકલ ટેસ્ટિંગ માટે આવતા પહેલા માત્ર પ્રવાહી વસ્તુઓ લે છે. તેના ખાદ્યપદાર્થોમાં માખીઓ પ્રવેશવાનો પ્રશ્ન જ નથી. અને જો માખી ખોરાક દ્વારા અંદર આવી તો પણ તે પેટમાં ઉત્પન્ન થતા એસિડથી કેવી રીતે બચી ગઈ? આ પ્રશ્ન ડોકટરો માટે કોયડો બનીને રહ્યો છે.


ડૉકટરો અનુમાન લગાવી રહ્યા છે કે જો માખી વ્યક્તિના ગુદામાર્ગમાંથી પ્રવેશી ગઈ હોય તો પણ તે મોટા આંતરડાના પ્રવેશદ્વાર સુધી પહોંચવું શક્ય જણાતું નથી. અને હજુ સુધી આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી કે કોઈ માખીનો લાર્વા માનવી દ્વારા ગળી ગયો હોય અને બાદમાં તે આંતરડાની અંદર માખીનું રૂપ ધારણ કરી લે. આ પ્રક્રિયાને આંતરડાની માયાસીસ કહેવામાં આવે છે જે આજ સુધી કોઈ માણસમાં જોવા મળી નથી. તેથી, ડોકટરોને હજુ સુધી આ કોયડાનો જવાબ મળ્યો ન હોવાનું અહેવાલ જણાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button