પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત: વાન ખીણમાં પડતા 16નાં મોત, 30 ઇજાગ્રસ્ત

કરાંચી: પાકિસ્તાનમાં એક ભીષણ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એક વાન ખીણમાં પલટી જતાં 20 લોકોના મોત થયા છે. 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતનું કારણ વાનની ઝડપ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ અકસ્માત પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયો હતો. દમશોરો જિલ્લામાં એક વાન પહાડી વિસ્તારોમાંથી પસાર થઈ રહી હતી. વાનની ઝડપ ખૂબ જ વધારે હતી, જેના કારણે વાન પરથી ડ્રાઇવરે સંતુલન ગુમાવી દીધો હતો અને વાન ઊંડી ખીણમાં જઇને પડી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ; જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાનમાં કોલ્હી જનજાતિના લોકો સવાર હતા. આ વાન પંજાબના લાપારીથી સિંધના બાદીન જઈ રહી હતી. વધુ ઝડપને કારણે વાન ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ ટીમે બધા ઘાયલોને ખીણમાંથી બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ઘટના અંગે માહિતી આપતાં ડેપ્યુટી કમિશનર ગઝનફર કાદરીએ જણાવ્યું હતું કે વાનમાં ઘણા મજૂરો પણ હતા. આ બધા મજૂરો બલુચિસ્તાનમાં ઘઉંની કાપણી કરવા ગયા હતા અને ત્યાં પોતાનું કામ પૂર્ણ કરીને ઘરે પાછા ફર્યા હતા.
દરમિયાન રસ્તામાં તેમની વાનનો અકસ્માત થયો હતો. બચાવ ટીમના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક વધી શકે છે. ઘણા ઘાયલોની હાલત ખૂબ જ ગંભીર છે. બધા ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, કેટલાકની હાલતમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી.