પાકિસ્તાનમાં બલૂચિસ્તાન બાદ વધુ એક રાજ્યમાં સળગી હોળી: કરી દીધું વિદ્રોહનું એલાન

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં બલૂચિસ્તાન વિદ્રોહ હજુ શમ્યો નથી ત્યાં હવે વધુ એક રાજ્યમાં વિદ્રોહની ચિનગારી ફૂટી છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ના (PTI) નેતા અને ખૈબર-પખ્તૂનખ્વાના મુખ્ય પ્રધાન અલી અમીન ગંડાપુરે ખુલ્લેઆમ દેશ સામે વિદ્રોહનું એલાન કરી દીધું છે. ગંડાપુરે કહ્યું કે હવે ઇંકલાબ એટલે કે ક્રાંતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાવલપિંડીમાં પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણ પર તેમણે કહ્યું કે હવે ગોળીઓનો જવાબ ગોળીથી, ગોળાનો જવાબ ગોળાથી અને લાકડીનો જવાબ લાકડીથી આપવામાં આવશે.
તેમણે કહ્યું, ‘હવે જો કોઈ ગોળીબાર શરૂ કરશે તો તેના પર પણ ગોળી ચલાવવામાં આવશે. જો એક ગોળી ચલાવવામાં આવશે તો અમે 10 ગોળી ચલાવીશું. તેણે કહ્યું, ‘આ છેલ્લી ચેતવણી છે.’ રવિવારે પીટીઆઈ નેતા ગંડાપુરે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેમના ત્રણ કાર્યકરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક કાર્યકર્તાનો કોઇ પત્તો નથી લાગ્યો. અલી અમીન ગંડાપુરને રાવલપિંડીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાથી રોકવામાં આવ્યા હતા અને આ બાદ તેમણે પેશાવરથી એક વીડિયો શેર કરીને આ વાત કહી છે. પોલીસે રસ્તા પર કન્ટેનર મૂકીને રસ્તો રોકી દીધો હોવાથી રેલીમાં ભાગ લેવા જઈ રહેલા મુખ્ય પ્રધાન રસ્તામાં જ અટવાઈ ગયા હતા.
ઈમરાન ખાનના આહ્વાન પર પીટીઆઈના પ્રદર્શનકારીઓએ શનિવારે રાવલપિંડીમાં એક વિશાળ પ્રદર્શન કર્યું, જ્યાં કાર્યકર્તાઓ અને પોલીસ ઉગ્ર અથડામણ થઈ હતી અને શહેર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું. મુખ્યપ્રધાન ગંડાપુરે બાદમાં વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરવા અને પેશાવર પરત દરવા અપીલ કરી હતી, જો કે પ્રદર્શનકારીઓએ તેનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં પીટીઆઈ નેતા આઝમ સ્વાતિની અપીલ પર પ્રદર્શનકારીઓએ પીછેહઠ કરી હતી.