હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે લંડનમાં અવસાન

લંડન : વિશ્વભરમાં ફેલાયેલા હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પરમાનંદ હિન્દુજાનું 85 વર્ષની વયે લંડનમાં અવસાન થયું છે. આ માહિતી તેમના પરિવારના નજીકના સૂત્રોએ આપી હતી. ગોપીચંદ પી. હિન્દુજા વ્યવસાયિક વર્તુળોમાં “જીપી” તરીકે જાણીતા છે. તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી બીમાર હતા અને લંડનની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
મે 2023 માં ગોપીચંદ હિન્દુજાએ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો
ગોપીચંદ પરમાનંદ હિન્દુજાએ મે 2023 માં તેમના મોટા ભાઈ શ્રીચંદના અવસાન બાદ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની સુનિતા, પુત્રો સંજય અને ધીરજ અને પુત્રી રીટા છે. ગોપીચંદે હિન્દુજા ગ્રુપને વૈશ્વિક સ્તરે વિસ્તારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આપણ વાચો: હોય નહીં! બ્રિટનના સૌથી ધનાઢ્ય હિન્દુજા પરિવારે નોકર કરતાં પાલતુ કૂતરા પાછળ વધુ ખર્ચ કર્યો
વર્ષ 1984માં અશોક લેલેન્ડની સ્થાપના કરી
ભારતમાં સ્વતંત્રતા પહેલા બિઝનેસ શરૂ કરનાર હિન્દુજા પરિવારમાં જન્મેલા ગોપીચંદ હિન્દુજા 1959 માં મુંબઈમાં પારિવારિક બિઝનેસમાં જોડાયા હતા. તેમણે હિન્દુજા ગ્રુપને પરંપરાગત ટ્રેડિંગ ઓપરેશનમાંથી વૈશ્વિક ઔદ્યોગિક પાવરહાઉસમાં પરિવર્તિત કરવામાં મદદ કરી હતી જેમાં બેંકિંગ, ફાઇનાન્સ, ઉર્જા, ઓટોમોટિવ, મીડિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ હતો.
તેમના નેતૃત્વ હેઠળ ગ્રુપે તેના કેટલાક સૌથી મહત્વપૂર્ણ સાહસ હાથ ધર્યા હતા જેમાં 1984 માં ગલ્ફ ઓઇલ અને ત્રણ વર્ષ પછી અશોક લેલેન્ડનો સમાવેશ થાય છે.
આપણ વાચો: કુછ કુછ હોતા હૈ’ ને હિન્દુજા:શું છે એમનું કર્મા કનેકશન?
અર્થશાસ્ત્રની માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી
અશોક લેલેન્ડે ભારતીય દ્વારા કરવામાં આવેલા પ્રથમ મોટા રોકાણોમાંનું એક હતું. ગ્રુપની વેબસાઇટ અનુસાર, મુંબઈની જય હિંદ કોલેજના સ્નાતક જી.પી.ને વ્યવસાયમાં તેમના યોગદાન બદલ વેસ્ટ મિન્સ્ટર યુનિવર્સિટી તરફથી કાયદાની માનદ ડોક્ટરેટ અને લંડનની રિચમંડ કોલેજ તરફથી અર્થશાસ્ત્રની માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.
હિન્દુજા ગ્રુપ 2,00,000 લોકોને રોજગારી પૂરી પાડે છે
હિન્દુજા ગ્રુપની સ્થાપના વર્ષ 1919 માં થઈ હતી. આ ગ્રુપના સ્થાપક પરમાનંદ દીપચંદ હિન્દુજા, સિંધ થી ઈરાન ગયા અને એક વૈશ્વિક સમૂહ બનવાનો પાયો નાખ્યો હતો. વર્ષ 1979 માં જૂથે તેનો મુખ્ય વ્યવસાય ઈરાનથી લંડન ખસેડ્યો, જેનાથી વૈશ્વિક વિસ્તરણનો એક નવો યુગ શરૂ થયો. મીડિયા અહેવાલો અનુસાર, મુંબઈ સ્થિત હિન્દુજા ગ્રુપ વિશ્વભરમાં આશરે 2,00,000 લોકોને રોજગારી આપે છે.
 


