હોય નહીં! બ્રિટનના સૌથી ધનાઢ્ય હિન્દુજા પરિવારે નોકર કરતાં પાલતુ કૂતરા પાછળ વધુ ખર્ચ કર્યો

હિન્દુજા ગ્રુપના પરિવારની સંપત્તિ 37.2 બિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ છે. તેમનો બિઝનેસ એનર્જી, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ અને બેન્કિંગ અને ફાઈનાન્સ જેવા ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. બ્રિટનનો સૌથી ધનિક હિન્દુજા પરિવાર ખોટા કારણોસર સમાચારમાં ચમક્યો છે.
અબજોપતિ હિન્દુજા પરિવારના ચાર સભ્યો પર જીનીવા તળાવ પર આવેલા તેમના વિલામાં ઘરના કર્મચારીઓનું શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે અબજોપતિ હિન્દુજા પરિવારે તેમના પાળતુ શ્વાન પર તેમના ઘરનોકરની ચૂકવણી કરતાં વધુ ખર્ચ કર્યો છે. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ તેમના ઘરનોકરો પાસે 15 થી 18 કલાક લગાતાર કામ કરાવતા હતા અને બદલામાં માત્ર આઠ ડૉલર જેટલું નજીવું વળતર આપતા હતા. આટલું ઓછું હોય તેમ હિન્દુજા પરિવારે તેમના ઘરના કર્મચારીઓના પાસપોર્ટ પણ જપ્ત કરી લીધા હતા, જેથી તેઓ ભાગી ના જાય. ઘરના કર્મચારીઓના કોન્ટ્રાક્ટમાં કામના કલાકો કે રજાના દિવસનો કોઇ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. તેમને વેતન પણ અહીં ભારતમાં હિન્દુજા જૂથની કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતું હતું તેથી ઘરના કર્મચારીઓ પાસે અંગત ખર્ચ માટે સ્વીસ ફ્રાંક પણ નહોતા. તેથી ફરિયાદીએ આ શોષણના કેસમાં હિન્દુજા પરિવારને જેલની સજાની વિનંતી કરી હતી. જોકે, પરિવાર વતી હાજર રહેલા વકીલે આ તમામ આરોપોને અતિશયોક્તિ ભરેલા ગણાવી નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે ઘરનોકરો જ્યારે બાળકોને લઇને ટીવી જોવા બેસે તેને કામ ના ગણી શકાય. ઉપરાંત તેમને ઘરમાં રહેવાની પણ સગવડ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : UK general election: ઋષિ સુનકે બ્રિટનમાં ચૂંટણીની જાહેરાત કરી, આ તારીખે થશે મતદાન
વેલ, કેસનો ચૂકાદો તો આવશે ત્યારે પણ હાલમાં તો લખલૂટ અમીરીમાં નહાતા હિન્દુજા પરિવારનો વરવો ચહેરો બહાર આવી ગયો છે.