પાકિસ્તાનમાં હિન્દુ સગીરાનું અપહરણ કરાયું, બળાત્કાર-બળજબરીથી ધર્માંતરણ બાદ આધેડ સાથે કરાયા નિકાહ!

સિંધની કોર્ટમાં હિન્દુ દીકરીની ભાવુક અપીલ ‘મને મારા પરિવાર પાસે જવા દો’
ઇસ્લામાબાદ: પાડોશી દેશ પાકિસ્તાનમાં લઘુમતીઓના થતાં અત્યાચાર અને શોષણનો વિષય ખૂબ જ ગંભીર છે. ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં 15 વર્ષીય હિન્દુ સગીરાનું અપહરણ કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને બાદમાં ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું તેમજ અંતે એક આધેડ વયના મુસ્લિમ પુરુષ સાથે તેના નિકાહ કરી દેવામાં આવ્યા. મીરપુરખાસ કોર્ટ સમક્ષ પીડિતાએ તેના પરિવાર પાસે જવાની ભાવુક અપીલ કરી હતી. જો કે કોર્ટે અંતિમ ચુકાદા સુધી સગીરાને સુરક્ષિત સ્થળ પર રાખવાનો નિર્દેશ આપ્યો છે.
આ અંગે પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, તેની દીકરીનું ગયા મહિને ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું. દીકરીની ઉંમર સાબિત કરવા માટે કોર્ટ સમક્ષ અનેક પુરાવાઓ રજૂ કરવા પડ્યા હતા. આ દરમિયાન તેઓને ધમકીઓ અને હિંસાઓ સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગત સુનાવણી સમયે કોર્ટની બહાર અમારી પર હુમલો કરવામાં આવ્યો હતો પરંતું તેમ છતાં મારી દીકરીએ હિંમત દેખાડીને જજની સામે સત્ય વાત રજૂ કરી.
સિંધ પ્રાંતના હિન્દુ સમુદાયના આગેવાન અને સામાજિક કાર્યકર્તા શિવા કચ્છીએ આ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં બળજબરીથી ધર્મ પરિવર્તન અને અપહરણનો આ ચોથો બનાવ છે. તેમણે કહ્યું કે અમે ચારે બનાવો પર કામ કરી રહ્યા છીએ પરંતુ આ એકમાત્ર બનાવમાં સગીરાને અંતે સત્ય રજુ કરવાનો મોકો મળ્યો છે. ગત સુનાવણીના સમયે અપહરણમાં જે સમુદાયનો હાથ છે તેઓએ મળીને હુમલો કર્યો હતો.
શિવા કચ્છીએ આગળ જણાવ્યું હતું કે સિંધમાં સગીર હિન્દુ છોકરીઓ, ખાસ કરીને ગરીબ પરિવારોની, બળજબરીથી ધર્માંતરણ અને લગ્ન એક ગંભીર અને સતત બની રહેલી સમસ્યા છે, જેને ઘણીવાર મોટા માથાઓમુ સમર્થન પ્રાપ્ત થાય છે. “પુરાવા રજૂ કર્યા બાદ કોર્ટે નિકાહ કરાવનાર કાઝી અને બે સાક્ષીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો, જો કે હજુ મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.
ઔરત ફાઉન્ડેશન જેવા માનવાધિકાર સંગઠનો અને પાકિસ્તાન માનવધિકાર આયોગનું અનુમાન છે કે સિંધ પ્રાંતમાં દર વર્ષે અંદાજે 1000 લઘુમતી સમુદાયની યુવતીઓ અને ખાસ કરીને હિન્દુ અને ખ્રિસ્તી યુવતીઓનું અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. જેમાંથી અનેક બનાવો તો સામે આવતા જ નથી, તેનું કારણ છે કે મોટાભાગના પરિવારો હાશિયામાં રહેલા દલિત સમુદાયમાંથી જ હોય છે.
આ પણ વાંચો…બાળકીની બળાત્કાર બાદ હત્યાના આરોપીએ બીજી બાળકી સાથે પણ એવું જ કૃત્ય આચર્યું…