ઇઝરાયેલ પર હિઝબુલ્લાનો રોકેટ હુમલો! બાળકો સહિત 11ના મોત, નેતન્યાહુએ કહ્યું….
તેલ અવિવ: છેલ્લા નવ મહિનાથી ઇઝરાયલ સતત ગાઝા (Israel attacks on Gaza) પર હુમલો કરી રહ્યું છે, એવામાં લેબનનના હિઝબુલ્લાહ જૂથ (Hezbollah) સાથે પણ ઇઝરાયલનું ઘર્ષણ વધી રહ્યું છે. ઇઝરાયલે ગઈ કાલે રોકેટ મારો કરી હિઝબુલ્લાહ જૂથના ત્રણ સભ્યોની હત્યા કરી હતી. હિઝબુલ્લાહ જુથે ઇઝરાયલ પર વળતો હુમલો કરતા, રોકેટ મારો કર્યો હતો જેમાં બાળકો સહીત 11 ઇઝરાયલી નાગરીકોના મોત થયા છે.
અહેવાલ મુજબ ઈઝરાયલના ગોલાન હાઈટ્સ પર શનિવારે અચાનક રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા ત્યારે આ રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. આ રોકેટ હુમલામાં 11 લોકોના મોત થયા હતા. હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ જૂથ વચ્ચેની લડાઇ શરૂ થઈ ત્યારથી આ હુમલો ઇઝરાયેલના વિસ્તાર પર સૌથી ઘાતક હુમલો છે, જેનાથી આ ક્ષેત્રમાં સંઘર્ષ વધવાની આશંકા છે.
આ હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે વડા પ્રધાન શક્ય તેટલી વહેલી તકે અમેરિકાથી ઘરે પરત ફરી રહ્યા છે. લેબનીઝ જૂથ હિઝબુલ્લાહના જણાવ્યા અનુસાર શનિવારે અગાઉ, દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં ત્રણ હિઝબુલ્લાહ સભ્યો માર્યા ગયા હતા.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી છે કે હિઝબુલ્લાને આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે, જે તેણે અત્યાર સુધી ચૂકવી નથી. તેમની ઓફિસે જણાવ્યું હતું કે શનિવારે ઇઝરાયલ દ્વારા નિયંત્રિત ગોલાન હાઇટ્સમાં સોકર મેદાન પર રોકેટ હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા.
ઈઝરાયેલ આ હુમલા માટે હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવી રહ્યું છે, પરંતુ હિઝબુલ્લાએ કોઈપણ પ્રકારની ભૂમિકાનો ઈન્કાર કર્યો છે.