શું ઇરાને ફરી પરમાણુ શસ્ત્રો બનાવવાનું કામ શરૂ કર્યું ? સેટેલાઈટ તસવીરોમાં જોવા મળી એક્ટિવિટી

તહેરાન : અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કરીને પરમાણુ કાર્યક્રમને મોટું નુકસાન કર્યું છે. જોકે, આ વચ્ચે ઈરાન ફરીથી પરમાણુ શસ્ત્રો બનાવવાની શરૂઆત કરી હોવાની ચર્ચા શરૂ થઈ છે. જેમાં ઈસ્ફહાનમાં ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળની નવી સેટેલાઇટ તસવીરો પ્રકાશમાં આવી છે. 27 જૂને લેવામાં આવેલી આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈરાને ઈસ્ફહાન યુરેનિયમ કન્વર્ઝન ફેસિલિટીના ભૂગર્ભ સંકુલમાં સ્થિત એક ટનલનો પ્રવેશદ્વાર ફરીથી ખોલ્યો છે. તેને પહેલા સીલ કરવામાં આવ્યું હતું.
સબમરીનમાંથી ટોમાહોક મિસાઈલ છોડવામાં આવી હતી
આ ટનલ ફરીથી ખોલવાના કારણોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રોને લઇને ચરમસીમાએ છે. મીડિયાના અહેવાલ મુજબ યુએસ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને યુએસ સેનેટને જાણ કરી છે કે ઈસ્ફહાન સ્થળ પર અમેરિકાના હુમલામાં બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તેના બદલે અમેરિકન સબમરીનમાંથી ટોમાહોક મિસાઈલ છોડવામાં આવી હતી.
ફોર્ડો પરમાણુ સ્થળ પર ખોદકામ શરૂ કર્યું
અમેરિકાના હુમલા પછી ઈરાને ફોર્ડો પરમાણુ સ્થળ પર ખોદકામ શરૂ કર્યું છે. ઈરાનને થોડા દિવસોમાં નુકસાનનો ખ્યાલ આવશે. 27 જૂનના મેક્સારના સેટેલાઇટ ફોટા દર્શાવે છે કે ફોર્ડો પરમાણુ સ્થળ પર ખોદકામ અને માટી દૂર કરવાના મશીનો કામ કરી રહ્યા છે. આ તે સ્થળ હતું જેને અમેરિકાએ બોમ્બમારા દરમિયાન નિશાન બનાવ્યું હતું.ઇઝરાયલ માને છે કે આ તસવીરો કદાચ ખતરનાક યુરેનિયમ કાઢવાનો પ્રયાસ દર્શાવે છે. જે અત્યાર સુધી મળ્યું નથી. તસવીરોમાં ટ્રક જેસીબી અને વાહનો સ્પષ્ટપણે દેખાય છે.
ઈરાન પર જરુર પડશે તો ફરી હુમલો કરવાની ટ્રમ્પની પ્રતિબદ્ધતા
યુએસ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ કેને કહ્યું કે ઇસ્ફહાનમાં આ પરમાણુ સુવિધા એટલી ઊંડાઈએ સ્થિત છે કે બંકર બસ્ટર બોમ્બ પણ ત્યાં અસરકારક નથી. તેથી ટોમાહોક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર ઈરાન સામે કડક વલણ દર્શાવ્યું. તેમણે ઈરાન પર જરુર પડશે તો ફરી હુમલો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ટ્રમ્પને સેનેટમાં સમર્થન મળ્યું
રિપબ્લિકન પાર્ટી પાસે સેનેટમાં 53-47 બહુમતી છે અને તેણે ટ્રમ્પના નિર્ણયોને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. મોટાભાગના રિપબ્લિકન કાયદા ઘડનારાઓનું કહેવું છે કે ઈરાન અમેરિકા અને તેના સાથી દેશો માટે ગંભીર ખતરો છે અને આવી સ્થિતિમાં ટ્રમ્પ દ્વારા નિર્ણાયક પગલાં લેવા જરૂરી છે.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જરુર પડશે તો ઇરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરશે