ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતીય મૂળના અમેરિકનને સ્થાન, ચંડીગઢ સાથે છે ખાસ સંબંધ
વોશિંગ્ટન: ગત નવેમ્બર મહિનામાં યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિ પદ ચૂંટણીમાં રીપબ્લીકન ડોનાલ્ડ ટ્રમ્પની જંગી જીત (Donald Trump) થઇ હતી. ટ્રમ્પ આવતા વર્ષે 20મી જાન્યુઆરીના રોજ શપથ લેશે. એ ટ્રમ્પ પોતાની ટીમનું ગઠન કરવામાં વ્યસ્ત છે. તેમણે વધુ એક ભારતીય મૂળના અમેરિકન નાગરિકને ટીમમાં જગ્યા આપી છે. ટ્રમ્પે મૂળ ચંદીગઢના હરમીત કે. ઢીલ્લોનને (Harmeet K Dhillon) ન્યાય વિભાગમાં નાગરિક અધિકાર બાબતોના સહાયક એટર્ની જનરલ તરીકે પસંદ કર્યા છે.
સોશિયલ મીડિયા પર આપી માહિતી:
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું, ‘હરમીતે તેની આખી કારકિર્દી દરમિયાન, આપણી બહુમુલ્ય નાગરિક સ્વતંત્રતાની રક્ષા કરવા સતત અવાજ ઉઠાવ્યો છે, જેમાં આપણી અભિવ્યક્તિને સેન્સર કરતી ટેકનોલોજીનો સામનો કરવો, COVID દરમિયાન એકસાથે પ્રાર્થના કરતા અટકાવવામાં આવેલા ખ્રિસ્તીઓનું પ્રતિનિધિત્વ કરવું અને શ્રમિકો સાથે ભેદભાવ કરવા માટે નીતિઓનો દુરુપયોગ કરતા કોર્પોરેશનો સામે દાવો કરવાનો સમાવેશ થાય છે.’
Also read: US Elections 2024: ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યો છેડતીનો આરોપ, મૉડલે કહ્યું- મને પકડીને…..
તેમણે કહ્યું કે, “હરમીત ડાર્ટમાઉથ કૉલેજ અને યુનિવર્સિટી ઑફ વર્જિનિયા લૉ સ્કૂલમાંથી સ્નાતક થયા છે. હરમીત શીખ ધાર્મિક સમુદાયનો આદરણીય સભ્ય છે. ન્યાય વિભાગમાં તેણીની નવી ભૂમિકામાં, હરમીત આપણા બંધારણીય અધિકારોની અથાક રક્ષક હશે અને આપણા નાગરિક અધિકારો અને ચૂંટણી કાયદાઓનો નિષ્પક્ષ અમલ કરશે.”
અરદાસનું પઠન:
નોંધનીય છે કે હરમીતે આ વર્ષે જુલાઈમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં અરદાસનું પઠન કર્યું હતું, ત્યાર બાદ તેમને વંશીય ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે તે રિપબ્લિકન નેશનલ કમિટીના અધ્યક્ષ બનવા માટે અસફળ રહ્યા હતાં.
ચંદીગઢ સાથે ખાસ સંબંધ:
હરમીત ઢીલ્લોનનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ ચંદીગઢમાં થયો હતો. જ્યારે તેઓ બે વર્ષના હતાં ત્યારે તેમનો પરિવાર ચંદીગઢથી અમેરિકા શિફ્ટ થયો હતો. તેમનો ઉછેર અમેરિકાના ઉત્તર કેરોલિનામાં થયો હતો. પરંતુ બાદમાં તેઓ ન્યૂયોર્ક સિટીમાં શિફ્ટ ગયા હતાં. હરમીત ડાર્થમાઉથ કોલેજમાંથી અંગ્રેજીમાં સ્નાતક થયા. તેમણે લો ક્લાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે ન્યાય વિભાગના બંધારણીય ટોર્ટ્સ વિભાગ માટે કામ કર્યું. બાદમાં તેણે 2006માં પોતાની લો ફર્મ, ઢીલ્લોન લો ગ્રુપની સ્થાપના કરી.
Also read: કંગના રનૌતે ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ આપ્યા અભિનંદન, એક રસપ્રદ ફોટો પણ શેર કર્યો
અગાઉ આ ભારતીય મૂળના લોકોને મળ્યું છે સ્થાન:
ટ્રમ્પની ટીમમાં અગાઉ ત્રણ ભારતીય મૂળના લોકોને સ્થાન મળી ચુક્યું છે. અગાઉના કાશ પટેલ, તુલસી ગબાર્ડ અને વિવેક રામાસ્વામીને ટ્રંપની ટીમમાં સમાવવામાં આવ્યા હતાં.