ઇન્ટરનેશનલ

Hardeep Nijjar Murder case: ધરપકડ કરાયેલા 3 ભારતીયો કોર્ટમાં હાજર; ભારત પર લગાવેલા આરોપો પર કેનેડા અડગ

ઓટાવા: ગત વર્ષે કેનેડાના સરે(Surrey) શહેરના એક ગુરુદ્વારા બહાર ખાલિસ્તાની અલગાવવાદી આગેવાન હરદીપ સિંહ નિજ્જર(Hardeep singh Nijjar) ની હત્યામાં કેસમાં કેનેડાની સરકારે ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશના સંબંધો વણસ્યા છે. એવામાં ગઈકાલે મંગળવારે નિજ્જર હત્યા કેસમાં ત્રણ ભારતીય મૂળના આરોપીઓને કનેડાની કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે ભારત સામે કરેલા આરોપોને કેનેડા સમર્થન કરવાનું ચાલુ રાખશે.

કેસરી રંગના જમ્પસૂટ પહેરેલા ત્રણેય આરોપીઓ સરેની સ્થાનિક કોર્ટમાં હાજર થતાં, ખાલિસ્તાની તરફી પ્રદર્શનકારીઓ કોર્ટની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને પ્લેકાર્ડ બતાવ્યા હતા, પ્રદર્શનકારીઓ નિજ્જરની હત્યા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.

હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા એવા કોઈ નક્કર પુરાવા હજુ સુધી કેનેડાએ આપ્યા નથી. ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ભારતીય મૂળના ત્રણ આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ગત શુક્રવારે ધરપકડ બાદ પ્રથમ વખત આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા, જેનો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે.

કેનેડાના એડમન્ટનમાં રહેતા ભારતીય નાગરિકો કરણ બ્રાર(22), કમલપ્રીત સિંઘ (22) અને કરણપ્રીત સિંઘ(28)ની ગયા અઠવાડિયે શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ફર્સ્ટ-ડિગ્રી હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

પત્રકારો સાથે વાત કરતા કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કેનેડા તેના નાગરિકોનું રક્ષણ કરવામાં કોઈ ચૂક નહીં રાખે.

તેમણે કહ્યું કે કેનેડાની સ્થિતિ હંમેશા સ્પષ્ટ રહી છે. અમારું કામ કેનેડિયનોનું રક્ષણ કરવાનું છે અને કેનેડિયનની ધરતી પર ભારતીય એજન્ટો દ્વારા કેનેડિયનની હત્યા કરવામાં આવી હોવાના આરોપો પર અમે અડગ છીએ.

કેનેડિયન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડની જાહેરાત કર્યા બાદ મેલાનીનું નિવેદન આવ્યું છે. જો કે, કેનેડિયન પોલીસ કર્મચારીઓએ ભારત સાથે આરોપીઓના કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા આપ્યા નથી.

ન્યાયાધીશ ડેલારામ જહાનીએ ત્રણેય શંકાસ્પદોની ટૂંકમાં પૂછપરછ કરી. બ્રાર અને કરણપ્રીત સિંહ 21 મેના રોજ ફરીથી કોર્ટમાં હાજર થશે. જોકે, અદાલતે કમલપ્રીત સિંહ માટે નવી તારીખ નક્કી કરવાની બાકી છે.

મંગવારે સ્થાનિક ખાલિસ્તાન સમર્થકો કોર્ટની બહાર ઉમટી પડ્યા હતા. સુનાવણીમાં હાજરી આપવા માંગતા વધારાના 50 લોકોને સમાવવા માટે કોર્ટહાઉસની અંદર એક અલગ ઓવરફ્લો રૂમ ખોલવામાં આવ્યો હતો. કોર્ટહાઉસની બહાર 100થી વધુ લોકોએ ખાલિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો અને શીખ અલગતાવાદને સમર્થન આપતા પોસ્ટરો દર્શાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button