હમાસને તેની અવળચંડાઇ મોંઘી પડશે….
ગાઝા: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધવિરામ ચાલી રહ્યો હતો પરંતુ જેવી યુદ્ધવિરામની મુદ્ત પૂરી થઇ કે તરત જ ઈઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હુમલઓ શરૂ કરી દીધા છે. હમાસ સાથે યુદ્ધવિરામ ચાલુ રાખવો કે નહિ તે બાબતે આગ કોઈ સમજૂતી ન થતા ઈઝરાયલે ફરી હુમલાઓ શરૂ કરી દીધા હતા. ઈઝરાયલી સેનાએ પણ આ બાબતે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે હમાસે યુદ્ધવિરામનો ભંગ કરીને ઇઝરાયલી વિસ્તાર તરફ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ કાર્યવાહી ફરી શરૂ કરી હતી.
ઈઝરાયલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ હતો, જે પહેલી ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે સમાપ્ત થવાનો હતો પરંતુ તે પહેલા જ હમાસે ઈઝરાયલ પર રોકેડ દ્વારા હુમલો કર્યો અને ઈઝરાયલે વળતો પ્રહાર કરી ફરી એકવાર યુદ્ધની શરૂઆત કરી દીધી હતી.
30 નવેમ્બરના રોજ મોડી રાતે હમાસે બીજા આઠ બંધકોને મુક્ત કર્યા હતો. તેમજ ઈઝરાયલે કહ્યું હતું કે જ્યાં સુધી તેના તમામ બંધકો આવી જશે ત્યાં સુધી તે યુદ્ધ વિરામ લંબાવવા તૈયાર છે. આ ઉપરાંત ઇઝરાયલે બંધકોની સંખ્યાના બદલામાં હમાસના ત્રણ ગણા કેદીઓને મુક્ત કર્યા હતા. જો કે અત્યાર સુધીમાં હમાસે કુલ 97 બંધકોને મુક્ત કર્યા છે. ઈઝરાયલાના વડા પ્રધાન કાર્યાલયે પણ તેમના બંધકો પરત આવ્યા હોવાનું જણાવ્યું હતું તેમજ તેમના ફોટા અને વિડીયો શેર કર્યા હતા.
જો કે ઇઝરાયલ હજુ પણ પોતાના વધુ બંધકોને મુક્ત કરવવા માંગતું હતું. યુદ્ધવિરામને થોડા વધુ દિવસો સુધી લંબાવી શકાયું હોત. પરંતુ હમાસના જિદ્દી વલણે ફરી મામલો બગાડ્યો હતો. ત્યારે ઈઝરાયલે ફરી જણાવ્યું હતું કે હવે તે હમાસને કોઇ પણ સંજોગોમાં ખતમ કરીને જ રહેશે.