50 બંધકોને છોડવા બદલ હમાસે ઇઝરાયલ સામે મુકી આ શરત…

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો દૂરદૂર સુધી ક્યાંય અંત આવે તેમ લાગતું નથી. 17 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં ઇઝરાયલ અને હમાસ બંને બાજુ જાનમાલનું ભારે નુકસાન થયું છે. યુદ્ધના માઠા પરિણામ બંને સ્થળોએ સ્થાનિકો ભોગવી રહ્યા છે. હમાસે સેંકડો બંધકોમાંથી 4ને છોડી મુક્યા છે. તેમજ બેવડી નાગરિકતા ધરાવતા વધુ 50 લોકોને છોડીને રેડ ક્રોસને છોડવાનો તેણે નિર્ણય લીધો હતો, પરંતુ તેણે અચાનક મન બદલી લેતા એ 50 લોકોને છોડવા માટે ઇઝરાયલ સામે તેણે હવે એક શરત મુકી છે. હમાસની આ શરતથી ઇઝરાયલ ભારે મૂંઝવણમાં મુકાઇ ગયું છે.
હમાસે આ 50 બંધકોને છોડવાના બદલામાં ફ્યૂલ સપ્લાયની માગ કરી છે. ગાઝા પટ્ટીમાં ફ્યૂલ સપ્લાય રોકાઇ જતા ત્યાં મોટું સંકટ પેદા થયું છે. હમાસને પણ તકલીફો પડી રહી છે આથી તે સોદાબાજી પર ઉતરી આવ્યું છે. હમાસ કહી રહ્યું છે કે સંસાધનો આપો અને અમે બંધકોને છોડી મુકીશું. જ્યારે હમાસે 50 બંધકોને છોડવાની જાહેરાત કરી હતી ત્યારે હમાસના નિયંત્રણ ધરાવતા વિસ્તારોમાં ઇઝરાયલે બોમ્બ ફેંકવાના બંધ કરી દીધા હતા. પરંતુ હમાસે હવે સોદાબાજી શરૂ કરી દેતાં બંધકોનું શું થશે તે હવે એક રહસ્ય છે.
ઈઝરાયેલની ઘેરાબંધી બાદ ગાઝામાં ઈંધણની કટોકટી પેદા થઇ છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે ગાઝાના તબીબોએ બે દિવસ પહેલા કડક ચેતવણી આપી હતી કે જો હોસ્પિટલમાં ઈંધણની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અકાળે જન્મેલા 130 બાળકોના મોત થઈ શકે છે. જો કે હમાસે સોમવારે બે વૃદ્ધ ઇઝરાયેલી મહિલાઓને મુક્ત કરી હતી, જ્યારે બે અમેરિકન નાગરિકોને પણ શનિવારે મુક્ત કરવામાં આવ્યા છે. ઈઝરાયેલનો દાવો છે કે હમાસે 222 લોકોને ગાઝામાં બંધક બનાવ્યા છે.