પન્નુની હત્યાના કાવતરાના આરોપી નિખિલ ગુપ્તાનો પરિવાર પહોંચ્યો સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યા માટે એક સરકારી અધિકારી સાથે મળીને હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં નિખિલ ગુપ્તા વતી તેના પરિવારે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે, અને તેના પ્રત્યાર્પણની પ્રક્રિયામાં અદાલત હસ્તક્ષેપ કરે તેવી માગ કરી છે.
52 વર્ષીય નિખિલ ગુપ્તા પર અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવતા આતંકવાદી પન્નુની હત્યા માટે હિટમેન નિયુક્ત કરવાના પ્રયત્ન કરવાનો આરોપ છે. આ ‘હિટમેન’ અમેરિકાનો એક ગુપ્ત એજન્ટ હતો. નિખિલ ગુપ્તા હાલ ચેક રિપબ્લિકની જેલમાં બંધ છે. તેણે તેની અરજીમાં કહ્યું છે કે તેની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે, અને તેને એવી બીક છે કે તેનું જીવન જોખમમાં છે.
જો નિખિલ ગુપ્તાને ભાડે રાખેલા હત્યારા અને ષડયંત્રના આરોપમાં દોષિત ઠેરવવામાં આવે, તો તેને 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. અમેરિકાએ ભારત સરકારના અન્ય એક કર્મચારી પર પણ આરોપ લગાવ્યો છે, જેની ઓળખ હાલ ગુપ્ત રાખવામાં આવી છે.
અમેરિકી સરકારી વકીલોનું કહેવું છે કે નિખિલ ગુપ્તા અને ભારત સરકારના એ કર્મચારી, જેમને તેમણે CC-1 કોડનેમ આપ્યું છે, બંને ગત મે મહિનાથી ફોન અને ઈમેલ દ્વારા સતત સંપર્કમાં હતા, જેમાં CC-1 એ નિખિલ ગુપ્તા સાથે હત્યાની યોજના અંગે ચર્ચા કરી હતી. તેના બદલામાં નિખિલને બાંહેધરી આપવામાં આવી હતી કે ભારતમાં તેની સામે નોંધાયેલા ફોજદારી કેસ બંધ કરવામાં મદદ કરવામાં આવશે. દિલ્હીમાં બંને વચ્ચે રૂબરૂ મુલાકાત થઈ હતી.
આ વાત અમેરિકા સુધી ત્યારે પહોંચી જ્યારે નિખિલ ગુપ્તાએ હિટમેનને ભાડે રાખવા માટે કથિતપણે એવા કોઈ વ્યક્તિની મદદ લીધી હતી જેને તે ગુનેગાર માનતો હતો, પરંતુ તે વાસ્તવમાં અમેરિકાની સરકારમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન સાથે કામ કરતો એક બાતમીદાર નીકળ્યો હતો. તેને યોજના પાર પાડવા માટે અંદાજે 1 લાખ અમેરિકન ડોલર ચૂકવવાનું નક્કી થયું હતું.
અમેરિકાએ મુકેલા આરોપોના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “ભારત આવા ઇનપુટ્સને ગંભીરતાથી લઇ રહ્યું છે, કારણ કે તે આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે, અને સંબંધિત વિભાગો પહેલેથી જ આ મુદ્દાની તપાસ કરી રહ્યા છે, એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રચના કરવામાં આવી છે..” તેવું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.