ઇન્ટરનેશનલ

Gurpatwant Pannun Case: નિખિલ ગુપ્તાએ અમેરિકન કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનું કહ્યું, ભારત માટે કેમ છે તાની બાબત?

ન્યુ યોર્ક: અમેરિકામાં વસતા ખાલિસ્તાન અલગાવવાદ સમર્થક ગુરપતવંત સિંહ (Gurpatwant Pannun) પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય મૂળના આરોપી નિખિલ ગુપ્તા(Nikhil Gupta)ને ન્યુ યોર્ક કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. નિખીલે કોર્ટ સમક્ષ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. 52 વર્ષીય ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને શુક્રવારે (14 જૂન) ચેક રિપબ્લિકથી યુએસ લાવવામાં આવ્યો હતો. સોમવારે તેને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સોમવારે ગુપ્તાના વકીલ જેફરી ચેબ્રોવેએ તેના વતી કોર્ટમાં દોષિત ન હોવાની અરજી રજૂ કરી હતી. નિખિલ આરોપ મુકવામાં આવ્યો છે કે તેણે પન્નુની હત્યા કરાવવા માટે કોન્ટ્રાક્ટ કિલરને હાયર કર્યો હતો. નિખિલ ગુપ્તાએ US$15,000 એડવાન્સમાં પણ આપ્યા છે. કોર્ટમાં નિખિલ ગુપ્તાએ પોતાના વકીલ મારફત આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.

નિખિલ ગુપ્તાને બ્રુકલિન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. જો તે ન્યૂયોર્કની કોર્ટમાં દોષી સાબિત થાય, તો તેને દરેક આરોપમાં મહત્તમ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. કોર્ટમાં આ મામલામાં આગામી સુનાવણી 28 જૂને થશે. સોમવારે કોર્ટમાં તેમની હાજરી દરમિયાન, ગુપ્તાના વકીલે ન્યાયાધીશને કહ્યું કે તેમનો અસીલ શાકાહારી છે. તેને ડિટેન્શન સેન્ટરમાં શાકાહારી ખોરાક આપવામાં આવ્યો ન હતો.

યુએસ એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુપ્તાનું ન્યૂયોર્કમાં પ્રત્યાર્પણ એ સ્પષ્ટ કરે છે કે ન્યાય વિભાગ અમેરિકન નાગરિકોને નુકસાન પહોંચાડવાના પ્રયાસોને સહન કરશે નહીં.

ડેપ્યુટી એટર્ની જનરલ લિસા મોનાકોએ ગુપ્તાને અમેરિકા લાવવાને ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ મામલે ચેક રિપબ્લિકની મદદ માટે આભારી છીએ.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, નિખિલ ગુપ્તા, જે “નિક” નામથી જાણીતો છે, 52 વર્ષીય નિખિલ ગુપ્તાની ગયા વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી અમેરિકાએ તેના પ્રત્યાર્પણની માંગ કરી હતી. ચેક અદાલતમાં તેમના પ્રત્યાર્પણ સામેની અપીલને કારણે આ વર્ષની શરૂઆતમાં તેમના પ્રત્યાર્પણને રોકી દેવામાં આવ્યું હતું. ગયા મહિને જ્યારે તેની અપીલ ફગાવી દેવામાં આવી ત્યારે તેને અમેરિકા મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.

કોર્ટના દસ્તાવેજમાં ખાલિસ્તાન તરફી નેતાના નામનો ઉલ્લેખ નથી, પરંતુ આ કેસ ગુરપતવંત સિંહ પન્નુન સાથે સંબંધિત છે, જે વ્યવસાયે વકીલ છે અને યુએસ અને કેનેડાની નાગરિકતા ધરાવે છે. તે ન્યૂયોર્કમાં રહે છે અને ખાલિસ્તાનના સમર્થનમાં અભિયાન ચલાવે છે. ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે.

શરૂઆતમાં જ ભારત સરકારે અમેરિકામાં ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલગીરી હોવાના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. સાથે જ કહ્યું કે તેઓ આ મામલે કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે.

ભારત-અમેરિકા સંબંધો પર આ કેસની કોઈ અસર થઈ નથી. ભારતે કહ્યું કે પન્નુની હત્યાના કથિત કાવતરા અંગે યુએસ દ્વારા શેર કરાયેલા પુરાવાઓની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારતીયની સંડોવણીના આરોપોએ ભારત-અમેરિકાના સંબંધો પર અસર થઇ નથી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button