ગુજરાતી મૂળના બિઝનેસમેને 4000 કરોડમાં પાકિસ્તાન એરલાઈન્સ ખરીદી, બાંટવા છે વતન

લાહોરઃ પાકિસ્તાને આશરે બે દાયકા બાદ સૌથી મોટું ખાનગીકરણ કર્યું હતું. સરકારી એરલાઈન પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ) કોર્પોરેશન લિમિટેડને ખાનગી વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું. ઈસ્લામાબાદમાં થયેલી હરાજીમાં જાણીતા ઉદ્યોગપતિ આરિફ હબીબ ગ્રુપે 4000 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદી હતી. હબીબનો પરિવાર મમૂળ જૂનાગઢ જિલ્લાના બાંટવાનો રહેવાસી હતો. 1947માં દેશના ભાગલા બાદ તેમનો પરિવાર ગુજરાતમાં તેમની સંપત્તિ અને ચાનો બિઝનેસ છોડીને કરાચી જતો રહ્યો હતો. આરિફ હબીબનો જન્મ કરાંચીમાં જ થયો હતો.
પીઆઈએની હરાજીમાં લકી સિમેન્ટ, ખાનગી એરલાઈન એરબ્લૂ તથા ખાનગી કંપની આરિફ હબીબ ગ્રુપ એમ ત્રણ મુખ્ય કંપનીએ ભાગ લીધો હતો. શરૂઆતની બોલીમાં ત્રણેય કંપનીએ બોલી સીલબંધ પારદર્શી બોક્સમાં જમા કરાવી હતી. બોક્સ ખુલ્યું ત્યારે આરિફ હબીબ ગ્રુપ 115 અબજ રૂપિયા સાથે સૌથી આગળ હતું. લકી સિમેન્ટે 105.5 અબજ રૂપિયા અને એરબ્લૂએ 26.5 અબજ રૂપિયા બોલી લગાવી હતી. હરાજીના અંતિમ તબક્કામાં આરિફ હબીબ અને લકી સિમેન્ટ વચ્ચે રસાકસી જામી હતી. પરંતુ અંત આરિફ હબીબ ગ્રુપે બોલી વધારીને 135 અબજ રૂપિયા કરીને હરાજી જીતી હતી.
કોણ છે આરિફ હબીબ અને શું કરે છે કામ
આરિફ હબીબ પાકિસ્તાનના જાણીતા બિઝનેસમેન અને પરોપકારી છે. તેઓ આરિફ હબીબ ગ્રુપના સ્થાપક છે, જેનું રોકાણ નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ, ખાતર, ઊર્જા અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલું છે. તેમણે 1970 માં કરાચી સ્ટોક એક્સચેન્જમાં સ્ટોકબ્રોકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ ઘણી વખત તેના ચૂંટાયેલા પ્રમુખ પણ રહ્યા હતા.
આરિફ હબીબ કન્સોર્શિયમમાં બ્રોકરેજ હાઉસ આરિફ હબીબ લિમિટેડ, ફાતિમા ફર્ટિલાઇઝર્સ, સિટી સ્કૂલ અને લેક સિટી હોલ્ડિંગ્સ સામેલ છે.
આરિફ હબીબ લિમિટેડ પાકિસ્તાનમાં એક મુખ્ય સિક્યૉરિટીઝ બ્રોકરેજ, ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ અને રિસર્ચ કંપની છે. આ કંપની પાકિસ્તાન સ્ટૉક ઍક્સચેન્જમાં લિસ્ટેડ છે. કંપનીની વેબસાઇટ પરની માહિતી અનુસાર, તે પાકિસ્તાન સ્ટૉક ઍક્સચેન્જમાં ટોચની 25 બ્રોકરેજ કંપનીમાં સ્થાન મેળવનારી એકમાત્ર બ્રોકરેજ કંપની છે.
ફાતિમા ફર્ટિલાઇઝર્સ પાકિસ્તાનમાં ખાતર ઉત્પાદન કરતી કંપની છે, જેની સ્થાપના 2003માં ફાતિમા ગ્રૂપ અને આરિફ હબીબ ગ્રૂપ વચ્ચે સંયુક્ત સાહસ તરીકે કરાઈ હતી. કંપની ‘સરસબ્ઝ’ અને ‘બબ્બર શેર’ જેવા બ્રાન્ડ્સ હેઠળ યુરિયા અને અન્ય ખાતરોનું ઉત્પાદન કરે છે.
સિટી સ્કૂલની સ્થાપના 1978માં થઈ હતી અને તેની વિશ્વભરમાં 500 શાખા છે, જેમાં 1,50,000થી વધુ વિદ્યાર્થી ભણે છે. લેક સિટી પાકિસ્તાનની એક રિયલ ઍસ્ટેટ કંપની છે. લેક સિટી લાહોરની બહાર એક રિસૉર્ટ/રહેણાક વિકાસ પ્રોજેક્ટ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમની સંપત્તિ 500 મિલિયન ડોલર જેટલી છે.
પાકિસ્તાનમાં કેટલી પ્રાઈવેટ એરલાઈન્સ છે?
પાકિસ્તાનમાં એરલાઈન્સ ટિકિટ સંબંધિત વેબસાઈટ મુજબ, દેશમાં 4 પ્રાઈવેટ એરલાઈન્સ છે. જેમાં એરબ્લુ (Airblue), એરસિયાલ (AirSial), સેરેનએર (SereneAir) અને ફ્લાય જિન્ના (Fly Jinnah) એરલાઈન્સનો સમાવેશ થાય છે. એરબ્લુ આ પાકિસ્તાનની મુખ્ય ડોમેસ્ટિક એરલાઈન્સમાં ગણાય છે. સેરેનએર અન્ય એરલાઈન્સની સરખામણીમાં સેરેનએર નવી છે. તે ડોમેસ્ટિક (સ્થાનિક) અને ઇન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય) રૂટ માટે વિમાન સેવા પૂરી પાડે છે. એરસિયાલએરલાઈન પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર કાર્યરત છે. ફ્લાય જિન્ના એરલાઈન પાકિસ્તાનમાં સસ્તી હવાઈ મુસાફરી કરાવતી એરલાઈન્સ તરીકે જાણીતી છે, જે હાલમાં માત્ર ડોમેસ્ટિક લેવલ પર સેવાઓ આપે છે.
આપણ વાંચો: કમ્બોડિયામાં હિંદુ ભગવાનની પ્રતિમા તો઼ડી પડાતાં ભારતે નોંધાવ્યો વિરોધ, કોણે કર્યું આ અપકૃત્ય ?



