અમેરિકામાં ગુજરાતી યુવકને સરકારી-પ્રાઈવેટ બે નોકરી કરવી ભારે પડી, ‘જોબ થેફ્ટ’ના આરોપસર ધરપકડ…

ન્યૂ યોર્ક: અમેરિકામાં રહેતા ગુજરાતીઓ જીવન નિર્વાહ માટે ઘણી વખત રેગ્યુલરની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય છે. જોકે અમેરિકાના ન્યૂ યોર્કમાં એક ગુજરાતી મૂળના યુવકને એકસાથે બે નોકરીઓ કરવી મોંઘી પડી છે. આ યુવક પર ‘જોબ થેફ્ટ’નો આરોપ લાગ્યો છે, જેને ‘મૂનલાઇટનિંગ’ પણ કહેવાય છે, અને આ ગુનાસર તેની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપ ચોરીના આરોપ સમાન ગણાય છે અને જો તે સાબિત થાય તો યુવકને 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
શું છે મામલો
ન્યૂ યોર્ક સ્ટેટ ઇન્સ્પેક્ટર જનરલ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 39 વર્ષીય મેહુલ ગોસ્વામીની 15 ઓક્ટોબરના રોજ સારાટોગા કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા જોબ થેફ્ટના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. મેહુલ ન્યૂ યોર્ક સ્ટેટ ઓફિસ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી સર્વિસીસ માટે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે રિમોટલી કામ કરતો હતો અને તેને 2024માં વાર્ષિક $117,891નો પગાર મળતો હતો. જોકે, આ સરકારી નોકરીની સાથે તે માલ્ટા શહેરમાં અન્ય એક પ્રાઈવેટ એમ્પ્લોયર માટે પણ કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું.

મેહુલ પર આરોપ છે કે તેણે એક જ સમયે બે જગ્યાએ કામ કરીને, એટલે કે ખાનગી નોકરી કરતી વખતે સરકાર માટે કામ કરીને, ન્યૂયોર્ક સ્ટેટ સાથે $50,000 (લગભગ ₹41.7 લાખ) સુધીની છેતરપિંડી કરી છે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, મેહુલે માર્ચ 2022 થી સપ્ટેમ્બર 2025 સુધી આ રીતે એક સાથે બે નોકરીઓ કરી હતી.
એક અજાણ્યા વ્યક્તિએ ઇમેઇલ દ્વારા પોલીસને જાણ કર્યા બાદ મેહુલની તપાસ શરૂ કરવામાં આવી હતી. સારાટોગા કાઉન્ટી શેરિફ ઓફિસ અને ન્યૂ યોર્ક સ્ટેટ ઇન્સ્પેક્ટર જનરલ ઓફિસ દ્વારા સંયુક્ત તપાસમાં મેહુલ વિરુદ્ધ નોંધપાત્ર પુરાવા મળ્યા બાદ તેની માલ્ટા ટાઉનમાં ધરપકડ કરવામાં આવી હતી.
ઇન્સ્પેક્ટર જનરલ લ્યુસી લેંગે આ કેસ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓએ ફરજ પર હોય ત્યારે સરકાર માટે જ કામ કરવું ફરજિયાત છે, અને મેહુલ ગોસ્વામીએ જે કર્યું તે વિશ્વાસઘાત અને સરકારી સંસાધનો અને ભંડોળનો દુરુપયોગ હતો, જ્યારે તેઓ ફૂલ ટાઈમ બીજી નોકરી પણ કરતા હતા.
મેહુલ પર $50,000 થી વધુની રકમની ચોરી કરવાનો આરોપ છે, જે ન્યૂ યોર્કના કાયદા અનુસાર ક્લાસ C ગુનો ગણાય છે. આ ગુનામાં 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે, મેહુલની ધરપકડ બાદ તેને કોર્ટમાં હાજર થવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ન્યૂ યોર્ક રાજ્યના કાયદા અનુસાર આવા ગુનાઓને ખાસ ગંભીર ગણવામાં આવતા નથી અને અદાલતો વ્યક્તિને જામીન વિના મુક્ત કરી શકે છે.



