કવર સ્ટોરી : જીએસટીની લહાણી તહેવારોની ઘરાકી બગાડશે?

નિલેશ વાઘેલા
જીએસટી સ્લેબના સૂચિત ફેરફારને કારણે અનેક વસ્તુઓ સસ્તી થવાની શક્યતા વચ્ચે એક તરફ ગ્રાહકો રાજીના રેડ થઇ ગયા છે, ત્યારે બીજી તરફ નવા ફેરફારના અમલીકરણ અંગેની અસ્પષ્ટતાને કારણે કૂલિંગ એપ્લાયન્સેસના ઉત્પાદકો ઠૂંઠવાઇ રહ્યાં છે! આ મોસમ તેમને તારશે કે ડૂબાડશે?
સરકારે જ્યારથી જીએસટી એટલે કે ગુડસ એન્ડ સર્વિસીસ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે ત્યારથી આમ જનતામાં આનંદની લાગણી પ્રસરી છે. અર્થવિશ્ર્લેષકોએ જીએસટીમાં સૂચિત ફેરફારથી કેટકેટલી વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે એની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે શેરબજારના માર્કેટ એનાલિસ્ટ્સે નવા ફેરફારથી કેટલી અને કઇ કંપનીઓને આનાથી લાભ થશે અને તેની શેર પર કેવી અસર થશે એનાં વિશ્ર્લેષણો રજૂ કરવામાં આવ્યાં છે.
આપણ વાંચો: જીએસટીના બુસ્ટરથી સેન્સેક્સ ૧૧૭૦ પોઇન્ટ ઊછળ્યો, જાણો બીજા ક્યા કારણો છે?
શેરબજારમાં તાજેતરમાં જે સુધારો અને ઉછાળો જોવા મળ્યો છે તેની પાછળનું એક સૌથી મોટું પ્રેરકબળ આ જીએસટીની જાહેરાત જ છે. નોંધવું રહ્યું કે આજે જ્યારે અમેરિકા ટેરિફ વોરને નામે ભારતને દબાવવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે જીએસટીના ફેરફારો ખૂબ જ વ્યૂહાત્મક રીતે અને વ્યૂહાત્મક સમયે જાહેર કરવામાં આવ્યા છે.
જીએસટી દરોને તર્કસંગત બનાવવા સરકારે પંદરમી ઓગસ્ટના રોજ કરેલી જાહેરાત અનુસાર પ્રસ્તાવિત ફેરફારો 99 ટકા વસ્તુઓને 12 ટકાના સ્લેબમાંથી પાંચ ટકાના નીચલા સ્લેબમાં ખસેડાશે, જ્યારે એર-કંડિશનર અને અન્ય ડ્યુરેબલ ચીજવસ્તુઓ પરનો ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવશે.
અર્થવિશ્ર્લેષકો માને છે કે, સરકારની ઉપરોક્ત જાહેરાતથી ગ્રાહકોમાં આનંદની લાગણી પ્રવર્તી છે, તો ચોક્કસ ઉત્પાદકો, વિતરકો અને રિટેલર્સની ચિંતા વધી છે. એક વર્ગ માને છે કે, ખરીદદારો જીએસટીના સૂચિત ફેરફારને કારણે ભાવ ઘટવાની અપેક્ષાએ ખરીદીમાં વિલંબ કરી શકે છે, જેના કારણે કંપનીઓને મુખ્ય વેચાણ સમયગાળા દરમિયાન નબળી માગનો સામનો કરવો પડશે.
આપણ વાંચો: રાહતના સમાચાર: કેન્દ્ર સરકાર 12 ટકાના GST સ્લેબને રદ કરી શકે છે…
આમ તહેવારોની મોસમમાં એપ્લાયન્સેસ અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સના વેચાણમાં ઘટાડો થઈ શકે છે! આ પગલાં લાગુ થયા પછી ખાસ કરીને પેકેજ્ડ માલ, સ્ટેપલ, ટેલિવિઝન, મોબાઇલ અને કૂલિંગ ઉપકરણોને વધુ સસ્તું બનાવી શકે છે.
આખી વાતમાં મુખ્ય સમસ્યા એ છે કે, જીએસટીના ફેરફારોના અમલની સમયરેખા હજુ પણ અસ્પષ્ટ હોવાથી, ટૂંકા ગાળામાં વિક્ષેપ સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને રૂમ એર-કંડિશનર (આરએમસી) માટે જોખમ ખાસ કરીને ઊંચું છે.
જો સરકાર ઓછામાં ઓછું 15 સપ્ટેમ્બર સુધીમાં કાપની જાહેરાત નહીં કરે, તો લોકો કાપની અપેક્ષા રાખીને ખરીદી બંધ કરી દેશે. આરએમસી કંપનીઓ માટે, તહેવારોની મોસમ પૂરી થઇ જશે તો તેમણે આવતા વર્ષે માર્ચ સુધી રાહ જોવી પડશે, કારણ કે શિયાળાના મહિનાઓમાં ખરીદી ઓછી રહેશે.
સ્વાભાવિક રીતે આની અસર વિતરકો પર પણ પડી શકે છે. સુધારેલા જીએસટી દરો સાથે સારી કિંમતો મેળવવા માટે ચેનલો પણ ખરીદી બંધ કરી શકે છે અને તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે એપ્લાયન્સેસ ઉત્પાદકો માટે ખાસ કરીને આરએમસી કેટેગરી માટે બીજો ત્રિમાસિક સમયગાળો ખૂબ જ ખરાબ રહેવાની આશંકા ચર્ચાઇ રહી છે.
આપણ વાંચો: તો 100થી વધુ વસ્તુઓ થઇ જશે સસ્તી, GSTના 12%ના સ્લેબમાં ઘટાડા પર ચર્ચા
એક રીટેલરે જણાવ્યું હતું કે જો જીએસટીનો ઘટાડો ટૂંક સમયમાં અમલમાં આવશે એવો ગ્રાહકો વિશ્ર્વાસ કરી લે, તો ખાસ કરીને એર કન્ડિશનર, રેફ્રિજરેટર અથવા પ્રીમિયમ ડ્યુરેબલ્સ જેવી મોંઘી અને ભાવ સંવેદનશીલ જણસોની ખરીદીમાં થોડો વિલંબ થવાનું જોખમ ઝળુંબી રહ્યું છે.
ખાસ કરીને ટાયર-1 અને ટાયર-2 શહેરોમાં ભારતીયો ચીજવસ્તુુઓના ભાવ અંગે ખૂબ જ સંવેદનશીલ છે તે જોતાં બેથી પાંચ ટકાનો સંભવિત ભાવ ઘટાડો પણ ખરીદીના સમયને પાછળ ઠેલવા માટે પર્યાપ્ત છે. અલબત્ત, અલગ અલગ કેટેગરીમાં આ અસર એકસમાન ન પણ હોઈ શકે!
આવશ્યક ચીજવસ્તુઓ અને એફએમસીજી જેવી રોજિંદી આઇટમોની ખરીદી મુલતવી રહેવાની શક્યતા ઓછી છે, જ્યારે જેના વગર કામ ચાલી શકે એવી મોંઘી અને ડ્યુરેબલ શ્રેણીમાં આવતી વસ્તુઓ માટે, જીએસટીના અમલીકરણ સમયરેખા સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ગ્રાહકો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી શકે છે.
જો સરકાર તહેવારોની મોસમ પછીની તારીખ નક્કી કરે છે, તો તે તહેવારોની માગને કામચલાઉ ધોરણે નરમ કરી શકે છે. બીજી બાજુ, જો જીએસટી સંબંધિત કાપ દિવાળી પહેલા અથવા દરમિયાન અમલી બનવાનો હોય, તો ખરેખર માગમાં વધારો પણ થઇ શકે છે!
ઉત્પાદકો સ્વીકારે છે કે આ અનિશ્ર્ચિતતા ખરીદીના વર્તનને બદલી શકે છે. એક ટોચના ઉદ્યોગ ગૃહના એપ્લાયન્સિસ બિઝનેસના બિઝનેસ હેડે જણાવ્યું હતું કે દિવાળીની આસપાસ અમલમાં આવનારા સુધારેલા દરો ગ્રાહકોની ખરીદીની યોજનામાં ફેરફાર કરી શકે છે.
આપણ વાંચો: રાજ્યો પેટ્રોલ-ડીઝલ પર જીએસટી માટે કદી તૈયાર ના થાય
દિવાળીની આસપાસ સુધારેલા દરોનો અમલ થવાની અપેક્ષા હોવાથી, તહેવારોની ઓફર અને સરળ ફાઇનાન્સિંગ યોજનાઓ સાથે હાલ લેવાલી મુલતવી રાખવામાં આવે અને તહેવારોના મહિનાઓ દરમિયાન તે જ રીતે પિકઅપ થાય એવી સંભાવના છે.
જોકે, કેટલાક અપેક્ષા રાખે છે કે અનિશ્ર્ચિતતા છતાં તહેવારોનું વેચાણ સ્થિર રહી શકે છે. એક ટોચના વિતરકે કહ્યું હતું કે, ઘણા ગ્રાહકો તહેવારોની ખરીદીમાં વિલંબ કરવા માગતા નથી. ગ્રાહકોમાં થોડો ખચકાટ હોઈ શકે છે, પરંતુ ઘણા લોકો તહેવારોની ખરીદીમાં વિલંબ કરે તેવી શક્યતા નથી.
કોઈપણ દરમાં ફેરફાર અમલમાં આવવામાં સમય લાગી શકે છે, અને વાસ્તવિક લાભો તાત્કાલિક પસાર થઈ શકશે નહીં. અસર મર્યાદિત હોઈ શકે છે. એકંદર આવશ્યક અથવા સમય-સંવેદનશીલ ખરીદીઓ માટે તહેવારોની માગ સ્થિતિસ્થાપક રહી શકે છે.
આ ઉપાધિ એવા સમયે સર્જાઇ છે, જ્યારે કૂલિંગ એપ્લાયન્સેસના ઉત્પાદકો પહેલાથી જ દબાણ હેઠળ છે. માર્ચ અને એપ્રિલમાં અનિયમિત હવામાન અને કમોસમી વરસાદને કારણે વોલ્ટાસ, બ્લુ સ્ટાર અને હેવલ્સ જેવી કંપનીઓ ભારે ઇન્વેન્ટરીમાં મુકાઈ ગઈ હતી, કારણ કે તેઓ ગરમ ઉનાળા માટે સ્ટોક કરી રહ્યા હતા જે સમયસર પહોંચ્યા ન હતા.
ગયા વર્ષે, તીવ્ર ગરમી અને પુરવઠાની અછત વચ્ચે માગમાં મજબૂત ઉછાળો આવતાં બમ્પર વેચાણ થયું હતું. આ વર્ષે માલના ઓછા ઉપાડને કારણે કંપનીઓની કમાણીમાં ઘટાડો થવાની શક્યતા ચર્ચાઇ રહી છે.
હવે, ઉત્પાદકો વોલ્યુમને પુનજીર્વિત કરવા માટે તહેવારોની મોસમ પર ગણતરી માંડી રહ્યા છે. તહેવારોનો ત્રિમાસિક સમયગાળો ડ્યુરેબલ એપ્લાયન્સેસના ઉત્પાદકો માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. હવે આ સમયગાળો તેમને માટે પ્રોત્સાહક બને છે કે સ્થગિત માગનો સમયગાળો બની રહે છે તેનો આધાર જીએસટીના ફેરફારોના અમલ પર અવલંબે છે!