ટ્રમ્પે ભારત પર તોતિંગ ટેરિફ લગાવ્યા બાદ સોનાના ભાવમાં આવ્યો ઉછાળો

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યા બાદ સલામત રોકાણ ગણાતા સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ટૂંક સમયમાં તે 92000ની સપાટી વટાવી જાય તેવી ધારણા છે. બુધવારે સોનાની વૈશ્વિક કિંમત 0.29 ટકા વધીને $3,133.03 પ્રતિ ઔંસ પર પહોંચી હતી. ગોલ્ડ ફ્યૂચર્સમાં $3,189.40 પ્રતિ ઔંસ સુધી ઉછાળો આવ્યો હતો. ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં પણ ગોલ્ડ ફ્યૂચર્સની કિંમત 90764 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી, જે આજે વધી શકે છે.
શું કહે છે એક્સપર્ટ
એક્સપર્ટ મુજબ, જો ટ્રેડ વોર વધુ વકરશે તો વૈશ્વિક બજારમાં ઘટાડો આવશે. જેથી સોનાની કિંમતમાં ઉછાળો આવી શકે છે. આગામી થોડા દિવસોમાં ગોલ્ડ 3300 ડૉલર પ્રતિઔંસ સુધી પહોંચી શકે છે. ભારતમાં સોનાનો ભાવ 95000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફ બોંબનો વિશ્વમાં ઉઠ્યો વિરોધનો વંટોળ, WTOમાં લઈ જવાશે મુદ્દો
બજારમાં કડકો બોલે ત્યારે રોકાણકારોની આવી હોય છે રણનીતિ
ટેરિફ વોર અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં સોનું સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જ્યારે પણ બજારમાં કડાકો બોલે છે ત્યારે રોકાણકારો શેરબજારમાંથી પૈસા ઉપાડીને સોનામાં લગાવે છે. આ કારણે સોનાની માંગમાં અને કિંમતમાં વધારો થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા બાદ બજારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ફરી એક વખત રોકાણકારો સોનામાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે, તેથી સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. આગામી દિવસોમાં બજારમાં અસ્થિરતા રહેશે તો ગોલ્ડનો ભાવ વધુ ઊંચાઈ પર જઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના કહેવા મુજબ, ભારતીય બજારમાં સોનાનો ભાવ 99000 થી 99500ના સ્તર સુધી પહોંચી શકે છે. આ વર્ષની શરૂઆતથી સોનાનો ભાવ નવી ઊંચાઈને આંબી ગયો છે. આ ધાતુમાં તેજી ટ્રમ્પના ટેરિફના કારણે આવી છે. ટેરિફ બાદ ગ્લોબલ ટ્રેડ વોરની આશંકા અને જિયો પોલિટિકલ તણાવથી પણ સોનાનો ભાવ વધી શકે છે.