ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વૈશ્વિક સોનું આઠ સપ્તાહના તળિયે
સ્થાનિક સોનાએ રૂ. રૂ. 1315ના ઘટાડા સાથે રૂ. 74,000ની સપાટી ગુમાવી, ચાંદી વધુ રૂ. 2189 તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમા અને અમેરિકી 10 વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ જળવાઈ રહેવાની સાથે આગામી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિ કેવી હશે તેની અનિશ્ચિતતા વચ્ચે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ આઠ સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને ચાંદીના ભાવમાં પણ વધુ 1.7 ટકાનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાએ 10 ગ્રામદીઠ રૂ. 1311થી 1316ના ઘટાડા સાથે રૂ. 74,000ની અને ચાદીએ કિલોદીઠ રૂ. 2189ના ઘટાડા સાથે રૂ. 88,000ની સપાટી ગુમાવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઘટતી બજારે વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2189ના ઘટાડા સાથે 87,558ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. વધુમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ છૂટીછવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1311ના ઘટાડા સાથે રૂ. 73,648 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1316ના ઘટાડા સાથે રૂ. 73,944ના મથાળે રહ્યા હતા. જોકે, હવે લગ્નસરાની મોસમ શરૂ થઈ છે અને સોનાના ભાવમાં પણ ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી માગ ખૂલવાનો આશાવાદ બજાર વર્તુળો મૂકી રહ્યા છે.
હાલ વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અંદાજે એક વર્ષની ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યો છે તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ગત જુલાઈ પછીની ઊંચી સપાટી આસપાસ હોવાથી વૈશ્વિક સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી રહી છે. આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ઘટાડો આગળ ધપતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 2555.85 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આ પૂર્વે એક તબક્કે ભાવ 18, સપ્ટેમ્બર પછીની નીચી સપાટી સુધી પહોંચ્યા હતા. તેમ જ વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે એક ટકા જેટલા ઘટીને 2560.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.7 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 29.83 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકાના ઑક્ટોબર મહિનાના ક્નઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટામાં બજારની અપેક્ષાનુસાર સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. હાલમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડની મજબૂતી સોનાના ભાવ દબાણ હેઠળ લાવી રહી હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલના ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વ્યાજદરમાં ઘટાડો કરે પરંતુ આગામી વર્ષ 2025માં વ્યાજદરમાં ઘટાડાની ગતિ મંદ કરે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં ટેક્નિકલ એનાલિસ્ટ રિંકુભાઈ સૈયાએ જણાવ્યું હતું કે હાલમાં વૈશ્વિક સોનાએ આૈંસદીઠ 2620ની સપાટી તોડી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન મંદીનું વલણ જળવાઈ રહેશે અને મંદીમાંથી તેજીમાં આવવા માટે ભાવ 2675 ડૉલરની ઉપર બંધ રહેવા જરૂરી છે. જોકે, હવે આગામી ટૂંકા સમયગાળા માટે આૈંસદીઠ 2470 ડૉલરની સપાટી મહત્ત્વની સપાટી પુરવાર થઈ શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…..આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટિ એસેટની એયુએમ ₹ ૫૦,૪૯૫.૫૮ કરોડની સપાટીએ
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર હાલ રોકાણકારોની નજર આજે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ તેમ જ જોબલેસ ડેટા અને અમેરિકી ફેડરલ રિઝર્વના પ્રમુખ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે. જોકે, ગઈકાલે સેન્ટ લુઈસ ફેડના પ્રમુખ આલ્બર્ટો મુસાલેમે ફુગાવામાં ધીમી ગતિએ ઘટાડો થ્ાની શક્યતા વ્યક્ત કરી હતી, જ્યારે ડલાસ ફેડના પ્રમુખ લોગાને વ્યાજદરમાં અતિરિક્ત માત્રામાં ઘટાડો કરવામાં આવતા ફુગાવામાં વધારો થવાની ચેતવણી આપી હતી.